લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
સરદાર વલ્લભભાઈ

ભરાયો હતા. જેટલાં માણસ મંડપમાં હતાં તેટલાં જ બહાર હતાં. દંડ નાખવામાં આવેલા દરેક ગામેથી પ્રતિનિધિઓ આવ્યા હતા. સરદારે પોતાના ભાષણમાં સમિતિના રિપોર્ટની વિગતો તથા પોતે મેળવેલી હકીકતો જણાવી કહ્યું :

“બહારવટિયાને મદદ કરવા માટે લોકો પર દંડ મૂક્વામાં આવ્યો છે. પણ સરકારે બહારવટિયાને મદદ કરી તેના હાથમાં બંદુકો આપી તેનો શો દંડ કરવો ? તેનો દંડ તો એક ઈશ્વર કરનાર છે. સરકારનાં પાણી વળતાં હોવાં જોઈએ; તેનો દિવસ આથમતો હોવો જોઈએ; નહીં તો એને આમ ખૂનીની દોસ્તી કરવી પડે નહીંં. હથિયારો હાથમાં આવ્યા પછી એ માણસે કેટલાં બધાં ખૂન અને લૂંટો કર્યાં તે સરકાર ન જાણતી હોય એમ ન જ બને. સરકારનો હેતુ બાબરને અલીની મદદથી પકડવાનો હશે, પણ લોકોને શી ખબર કે સરકારનો હેતુ શું છે ? સરકારે જાહેર કરવું જોઈએ કે તેણે ભૂલ કરી છે. અલીએ જે જે અત્યાચારો ગરીબ પ્રજા ઉપર કર્યા છે તેની જવાબદારી સરકારની જ છે.”

દંડમાંથી કોને બાતલ રાખ્યા છે તે ગણાવે છે :

“જેમનો ગુનામાં વધારેમાં વધારે હાથ છે, વધારેમાં વધારે મદદ છે તેમને બાતલ કર્યા છે. સરકારી નોકરોની ફરજ ગુનેગારોને પકડવાની છે. પણ તેઓ દંડમાંથી બાતલ, પાદરીઓને બાતલ રાખ્યા છે. તેમને તો બહારવટિયાના સોબતી કહે તો સરકાર સામે બંદૂક લઈને ઊભા થાય. પણ તેમના હાથ નીચેના ખ્રિસ્તી ઢેડની આપણા જેવી જ સ્થિતિ છે. મુખી અને રાવણિયા બહારવટિયાના હાથથી બચ્યા છે તે પણ દંડમાંથી બાતલ છે. ખરી હકીકત એવી છે કે એકોએક રાવણિયા અને એકોએક પેાલીસ પટેલ બાબર ક્યાં હોય છે તે જાણતા હોય છે, પણ તેને પકડવાની કોઈની હિંમત ચાલતી નથી. આવા બધાને બાતલ રાખ્યા છે પણ ધારાસભામાં જનારાઓની દશા આપણા જેવી જ છે. એ પણ લૂંટારાના સોબતી !”

પછી દંડ ન ભરવામાં કઈ દૃષ્ટિ રાખવી જોઈ એ તે સમજાવે છે :

“અઢી રૂપિયાનો બચાવ થશે એવા હલકા ખ્યાલથી દંડ ન ભરવો હોય તો આ લડતમાં પડવામાં માલ નથી. આપણે ચોર લૂંટારાના સાથી નથી, ચક્રવતી સરકારને પણ આપણને એવું કહેવાનો હક નથી, એમ લાગતું હોય તો જ લડત ઉપાડજો. પછી ભલે સરકાર બે રૂપિયાને બદલે દસ રૂપિયાનો માલ લઈ જાય. લૂંટારાના સોબતી કહેવાઈને સરકારને અઢી રૂપિયા આપવા તે કરતાં તો બહારવટિયા લૂંટી જાય તે સારું. અમે ઇમાનદાર, આબરૂદાર માણસ છીએ, લૂંટારાના સોબતી નથી, એટલે દંડ નથી ભરવાના, છતાં બહારવટિયા આવીને જેમ લઈ જાય છે તેમ જોઈએ તો તમે આવીને લઈ જાઓ, આવી સમજણ હોય તો જ લડત ઉપાડજો.”

સરકાર સાથે લડવા માટે અહિંસા અનિવાર્ય છે તે ઉપર પછી ભાર મૂકે છે: