પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


“લડત દરમિયાન સરકારના માણસો અને તમારા વિરોધીઓ તમને ભરમાવી તોફાને ચઢાવવાનો પ્રયત્ન કરશે. તમે તોફાને બિલકુલ નહી ચઢશો. આ મહાત્માજીના રસ્તાની લડત છે. તેમાં ધારિયાંનું કે લાકડીનું કામ નથી. તેમાં આપણા બરડાનું જ કામ છે. તેના ઉપર સરકાર ભલે મારવું હોય તેટલું મારી લે. તમે ગાળ દેશો કે લાઠી ચલાવશો તો તેની પાસે બહુ સત્તા છે. બહારવટિયાને તે નથી પકડી શકતી પણ તમને તો એ તરત પકડી લેશે. કોઈને ગાળ દેવામાં કે મારવામાં moટાઈ નથી. ધર્મને ખાતર દુ:ખ સહન કરવામાં મોટાઈ છે.”

લડતની બધી શરતો અને જોખમો સમજાવ્યા પછી, એ બધું કબૂલ કરીને લોકોએ કર ન ભરવાનો નિશ્ચય સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરીને જાહેર કર્યો કે, તાલુકાની સમસ્ત નિર્દોષ પ્રજા ઉપર જૂઠાં તહોમત મૂકી જે દંડ નાખવામાં આવ્યો છે તે તદ્દન અન્યાયી અને જુલમી છે. એ અન્યાયની સામે લડત ચલાવવા આ પરિષદ પ્રજાને એ દંડ નહીં ભરવાનો અને તેમ કરતાં વેઠવાં પડતાં દુ:ખ શાંતિથી સહન કરી પોતાનું સ્વમાન જાળવવાની સલાહ આપે છે.

તરત જ સરદારે લડત માટે સૈનિકોની અપીલ કરતાં જણાવ્યું કે, પ્રજા ઉપરના આ આફતના વખતમાં તેની પડખે ઊભા રહી તેની સેવા કરવાની તક ગુજરાતના નવજુવાનને મળી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા ન મૂકી શકે.

મોટા ભાગના સ્વયંસેવકો તાલુકામાંથી મળી રહ્યા અને લડતનો વ્યુહ ગોઠવાયો. સ્વયંસેવકોની ટુકડીઓ પાડી નાખવામાં આવી અને દરેક ટુકડીને અમુક અમુક ગામના જથા વહેંચી આપવામાં આવ્યા. આખી લડતની સમજૂતી આપવા માટે તથા લોકોએ શું શું કરવાનું છે, કેવા સાવધાન રહેવાનું છે, અંદર અંદરના કજિયા કંકાસ કાંઈ હોય તો ભૂલી જઈ એકસંપીથી ગામનું રક્ષણ કરવાનું છે, અને એ બધું પૂરેપૂરી શાંતિ જાળવીને કરવાનું છે તેની પત્રિકાઓ તાલુકાના મુખ્ય મથક બોરસદથી કાઢવામાં આવતી. પહેલી પત્રિકા સરદાર અને દરબાર ગોપાળદાસભાઈની સંયુક્ત સહીથી કાઢવામાં આવેલી અને પછીની પત્રિકાઓ દરબાર સાહેબની સહીથી અથવા પંડ્યાની સહીથી નીકળતી. પહેલી પત્રિકામાં લોકોને શાંતિ અને ખામોશી રાખી દુ:ખો સહન કરવાનું સરદારે બરાબર પ્રાત્સાહન આપ્યું :

“લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળી તમે તમારું સ્વમાન જાળવજો. સરકાર તેના સ્વભાવ પ્રમાણે તમારા ઉ૫૨ ક્રોધે ભરાશે, જપ્તીઓનો જુલમ કરશે, ઢોર છોડી જશે, અઢી રૂપિયા માટે પચીસ રૂપિયાની