પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
સરદાર વલ્લભભાઈ

કિંમતની ચીજ જપ્ત કરીને લઈ જશે. એ બધું તમે શાંતિથી અને સબૂરીથી ખમી લેજો, પણ સરકારના માણસોને તમારે હાથે એક પાઈ પણ આપશો નહીંં, કોઈ પણ જાતનું તોફાન કરશો નહીંં. સરકાર અસત્ય અને અનીતિને માર્ગે ચઢેલી છે. તમારી તરફ સત્ય છે, તેની સાથે તમે અહિંસાનું પાલન કરશો તો જરૂર તમારી ફતેહ થશે. સત્ય અને અહિંસાનું પાલન કરનાર કદી હારે જ નહીં'. ઈશ્વર તમને શાંતિથી દુ:ખ સહન કરવાની શક્તિ આપો.”

મોહનલાલ પંડ્યા જુવાન સ્વયંસેવકની માફક ઘોડે બેસીને આખા તાલુકામાં ફરી વળ્યા અને બધાં થાણાં ઉપર સ્વયંસેવકો બરાબર ગોઠવાઈ ગયા છે કે કેમ તે જોઈ આવ્યા. એમનું મુખ્ય કામ ઘોડા ઉપર બેસી આખા તાલુકામાં ફરવાનું હતું. રવિશંકર મહારાજને કાંઠાનાં અઢાર ગામ, જેમાં એકલી પાટણવાડિયા અને બારૈયા કોમની જ વસ્તી છે, તે સોંપ્યાં હતાં. એ તો રોજ વહેલી પરોઢથી રાત સુધીમાં અઢારે ગામ ફરી વળતા અને બધાં ગામે આલબેલ પોકારી આવતા. તળ બોરસદ મિશ્ર વસ્તીવાળું મોટું ગામ, ત્યાં મામલતદાર મુનસફની કચેરી, તાલુકાના પોલીસ અમલદારો પણ ત્યાં રહે અને અમલદારો સાથે બેઠક રાખનારા લોકોની સંખ્યા પણ ગામમાં ઠીક ઠીક, એટલે એ કેવો જવાબ આપશે એ વિષે કાર્યકર્તાઓના મનમાં વસવસો રહેતો. સરદારે તો તાલુકા પરિષદની આગલી રાતે બોરસદ ગામના વતનીઓની સભા કરીને એમને સારી પેઠે સમજાવ્યા હતા કે :

“આ લડતની ગંભીરતાને વિચાર કરજો. જે અંદર અંદર લડવું હોય તો પહેલેથી જ લડતનું માંડી વાળજો. બોરસદને માથે મોટી જવાબદારી છે. તમે કરશો તેમ બીજા ગામડાંવાળા કરશે. તમે જો પાણીમાં બેસી જશો તો બીજા બધાનું બગડશે. . . . બે ત્રણ રૂપિયામાં મોટી વિસાત છે એમ નથી. આપણે કાંઈ ભિખારી નથી કે બે ત્રણ રૂપિયા ફેંકી ન દઈ શકીએ. પણ સરકાર તો લૂંટારાના સાથી કહી આપણી પાસેથી લેવા માગે છે. સરકાર પોતાની ગરીબાઈ કબૂલ કરે. પોતાની સત્તા પરવારી ગઈ છે એમ જાહેર કરે, તો આપણી મેળે આપણો બંદોબત કરી લેવા આપણે તૈયાર છીએ.”

આના જવાબમાં અમે પણ લડવા માટે મક્કમ છીએ એમ બોરસદના વતનીઓએ કહેલું, અને તે પ્રમાણે તેઓએ સારું મક્કમપણું બતાવ્યું. લોકોએ જ્ઞાતિવાર એકઠા થઈને ઠરાવ કર્યા કે, કોઈએ દંડ ભરવો નહીં અને જે કોઈ જપ્તી થયેલો માલ હરાજીમાં રાખે તેનો રૂા. ૫૦ દંડ લેવો. પંચરાઉ વસ્તીવાળાં બીજા મોટાં ગામોમાં પણ આવી જ જાતના ઠરાવ કર્યા.