પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
વિદ્યાભ્યાસ


સ્વતંત્ર ખવાસના આ સાહસિક યુવાનને સંતોષ થાય એમ ન હતું. એના મગજમાં બાળપણથી જ ભારે ભારે મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી. પણ ગુજરાતી સાત ચોપડી પાસ કરી ત્યાં સુધી કરમસદ, આણંદ અને વડતાલ ઉપરાંત બહારની દુનિયા બહુ જોઈ ન હતી એટલે નિશાળના માસ્તર નથી થવું એ ઉપરાંત એ મહત્ત્વાકાંક્ષાઓએ કશું ચોક્કસ રૂપ નહોતું પકડ્યું. આ વખતે તો નડિયાદ અને વડોદરામાં વકીલને જોયા હશે, કોઈ બૅરિસ્ટરનું નામ પણ સાંભળ્યું હશે. એટલે જુવાન મગજમાં જાતજાતનાં સ્વપ્નાં ઉભરાતાં હશે. આ કાળના પોતાના મનોરાજ્યમાં આપણને સરદારે પોતે જ ૧૯૨૧ના સ્વરાજ્યના જુવાળના દિવસોમાં અસહકાર વિષે મોડાસામાં એક હૃદયસ્પર્શી ભાષણ આપતાં ડોકિયું કરાવ્યું છે :

“ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે હું પહેલાં અંગ્રેજની આબેહૂબ નકલ કરતો હતો, તે સત્ય છે. વળી હું નવરાશનો વખત રમતગમતમાં ગાળતો એ વાત પણ ખરી છે. મારી માન્યતા તે વખતે એવી હતી કે આ અભાગી દેશમાં પરદેશીની નકલ કરવી એ જ ઉત્તમ કાર્ય છે. મને શિક્ષણ પણ એવું જ આપવામાં આવ્યું હતું કે આ દેશના માણસો હલકા અને નાલાયક છે અને આપણા ઉપર રાજ્ય કરનાર પરદેશી માણસો જ સારા અને આપણો ઉદ્ધાર કરવા સમર્થ છે; આ દેશના માણસો તો ગુલામગીરીને જ લાયક છે. આવું ઝેર આ દેશનાં તમામ બાળકોને પિવડાવવામાં આવે છે. હું નાનપણથી જ જે લોકો સાત હજાર માઈલ દૂર પરદેશથી રાજ્ય કરવા આવે છે તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવાને તરફડિયાં મારતો હતો. હું તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું. મને માલુમ પડ્યું કે દસ પંદર હજાર રૂપિયા મળે તો વિલાયત જવાય. મને કોઈ એટલા રૂપિયા આપે એમ ન હતું. મારા એક મિત્રે કહ્યું કે, ઈડર સ્ટેટમાં દરબાર પાસેથી રૂપિયા વ્યાજે મળે એવો સંભવ છે. એ મિત્રના કાકા ઈડરમાં રહેતા. તે ઉપરથી એ મારો મિત્ર અને હું બંને ઈડર ગયા અને શેખચલ્લીના વિચાર કરી ગામની પ્રદક્ષિણા કરી પાછા આવ્યા. છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું. પછી વકીલાતનો અભ્યાસ કર્યો ને વકીલાતનો ધંધો કરી ખર્ચ જેટલી કમાણી કરી વિલાયત જવાનો નિશ્ચય કર્યો.”

એક વાર સરદારે જ ઉચ્ચારેલા શબ્દોમાં કહું તો ‘સસ્તું ભણવાનું અને સહેલાઈથી રળવાનો ધંધો” કયો તે વિચારી વકીલાતનો વિચાર કર્યો. તેય એલએલ. બી. થવાને નહી પણ ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર’ થવાને. કૉલેજમાં જઈ સાક્ષરી કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. પણ મોટું કારણ તો એલ એલ. બી. થતાં છ વર્ષ લાગે એ જ હતું. અભ્યાસમાં એટલાં બધાં