પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


સ○ — પણ વેરાના પૈસા નહી ભરો તો તમોને શાન્તિ શી રીતે મળશે ? ગાડીમાં જેવા પૈસા ખરચો તેવી બેસવાની જગ્યા મળે. તેવું જ રક્ષણનું સમજી લેવું. તમે જો પૈસા નહીંં ભરો તો તમને રક્ષણ પણ તેવું જ મળશે.

આ લડત કુલ પાંચ અઠવાડિયાં ચાલી. તેમાં છેવટના ભાગમાં તો આવી આકરી અને કડવી લડતને પણ લોકોએ સંતાકૂકડીની રમત જેવી સહેલી અને સરસ બનાવી દીધી હતી. તાલુકામાં જપ્તીના કામ માટે એકઠાં કરવામાં આવેલાં મુલકી અને પોલીસ અમલદારોનાં ટોળાં ઉપર પણ લોકોના ખુશમિજાજની અસર થવા માંડી હતી અને તેઓ કિન્નો ભૂલવા લાગ્યા હતા. લોકોની સાવધાની અને સમયસૂચકતાથી તેઓ થાક્યા હતા ખરા, પણ એને પહોંચી વળવાના ઉપાય યોજવામાં તેઓ પણ મમતે ચઢ્યા હતા અને તેમાં હારતા ત્યારે પણ તેઓને રસ પડતો હતો. મોટા મોટા અમલદાર ચોરીચૂપકીથી કોઈ ગામના ઉપર છાપો મારવા નીકળી પડે. તેઓ તે ગામે પહોંચે તે પહેલાં તો સત્યાગ્રહી સેનાના દૂતોને ખબર પહોંચી ગયા હોય. પેલા અમલદાર દૂરથી આવતા દેખાય કે તરત ઝાડ પર ઢોલ વાગવા માંડે અને તે ગામે પહોંચે એટલે ઢોલ વાગતું બંધ થઈ ગયું હોય અને આખા ગામનાં બારણાં પણ ભડભડ બંધ થઈ ગયાં હોય. પેલા વીલે મોઢે ગામમાં ફરે અને થાકીને લોકોનાં ઘરને ઓટલે બેસે. કોઈ વાર સરકારી માણસો લોકોને ભોળવવા માટે સ્વયંસેવકનો વેશ ધારણ કરી ધોળી ખાદીનાં પહેરણ અને ધોળી ટોપી પહેરી લોકોને ઘેર જાય. લોકો બિચારા ભોળવાઈને આવકાર આપે. એટલામાં ખરા સ્વયંસેવકો આવી પહોંચે અને લોકોને ચેતાવે. પેલા ઉઘાડા તો પડી જાય પણ ઘરમાં પેસી ચૂક્યા હોય એટલે જપ્તી કરવા માંડે. પણ જપ્તીમાં શું મળે ? ઘરમાં ચીજો એવી ઠેકાણે કરી દીધેલી હોય કે પેલાઓને કશો પત્તો જ લાગે નહીં. ઘણા લોકો એ તો તાંબાપિત્તળનાં વાસણ વગે કરી દઈને માટીનાં બેડાંએ પાણી ભરવા માંડ્યું હતું અને માટીનાં હાંલ્લામાં રાંધતા હતા. કોઈ જગાએ એવું બનતું કે ઘરનાં બારણાં કોઈ કારણસર ઉઘાડવા જાય કે તરત જપ્તી અમલદાર અંદર દાખલ થવા જાય, ઘરની બહાદુર સ્ત્રી ફડાક દઈને બારણું ઢાંકવાનું કરે એટલે પેલાનો એક પગ અંદર ને એક પગ બહાર રહી ગયો હોય અને બારણાની ધક્કાધક્કી થાય એવી લીલા ચાલે. આમાં કોઈ વાર જપ્તી અમલદાર ફાવે તો કોઈ વાર પગ બહાર કાઢતાં પણ એને નવ નેજા થાય. પોતાના ખેતરમાં પાકેલા કપાસની ગાંસડી માથે મૂકી કોઈ ખેડૂત વેચવા જતો હોય તેને જપ્તીવાળો અટકાવે અને કહે કે, ‘લઈ ચાલો ગાંસડી થાણે.’ એટલામાં ધોળી ટોપીવાળા સ્વયંસેવકો ત્યાં પહોંચી જાય. તે કહે કે, ચાલો,