પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
સરદાર વલ્લભભાઈ

સત્યાગ્રહ થાણે. ગાંસડી ત્યાં રાખો. પેલો ખેડૂત સ્વાભાવિક રીતે જ સત્યાગ્રહ થાણે રાજી થઈને જાય. બીજે દિવસે એના ઉપર ચોરીનું તહોમત મુકાય. પોલીસમાં બહારવટિયાને પકડવાની છાતી તો હતી જ નહીં, છતાં કાંઈ કામગીરી તો બતાવવી પડે એટલે સીમમાં સૂતેલા કોઈને પકડે અને મારઝૂડ કરે. બાકી સત્યાગ્રહ શરૂ થયો ત્યારથી તાલુકામાં ગુના થતા બંધ થઈ ગયા હતા, બહારવટિયાઓ પણ તાલુકામાં રહ્યા હોય તો ઠંડા પડી ગયા અથવા તાલુકા બહાર જતા રહ્યા હતા. કચેરીઓમાં માખી મારવી પડે એવી દશા થઈ હતી. એટલે કેવળ મુકદ્દમા ચલાવવાનો દેખાવ કરવા ખાતર કોઈનો ચોરા પાસે પેશાબ કરવા માટે પંદર રૂપિયાનો દંડ કરવામાં આવે, તો કોઈ સભ્ય ગૃહસ્થનાં અંગ ઉપરનાં બટન અસભ્ય રીતે ઉતારવા જતાં મામલતદારને અટકાવવા માટે તે ગૃહસ્થ ઉપર કેસ ઊભો કરવામાં આવે. આવી પજવણીમાંથી પણ લોકો વિનોદ મેળવતા અને આ બધી ગમ્મતની વાતો એક ગામથી બીજે ગામ ફેલાતી.

અત્યાર સુધી મુંબઈ સરકાર આમાં નહોતી પડી. પણ લડત આગળ ચાલી એટલે પોતે નાખેલા વેરાના સમર્થનમાં ખબર ખાતાના વડા તરફથી તેણે એક યાદી બહાર પડાવી. તેમાં સત્યાગ્રહી કહેવાતામાંથી કોઈ કે અયોગ્ય અને ગેરકાયદે રીતે સરકારના ખાનગી તુમારો મેળવ્યા બાબત તથા લોકોમાં પોલીસને મદદ કરવાની બિલકુલ વૃત્તિ જ ન હોવા બાબત તથા બહારવટિયાઓને સંતાડવા અને રક્ષણ આપવા બાબત પ્રજા ઉપર આક્ષેપો કર્યા હતા. વળી તેના સમર્થનમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો એક લાખ ૭૭ પૅરાનો રિપોર્ટ જોડ્યો હતો. આ યાદીનો તા. ૨૩મી ડિસેમ્બરે સરદારે બહુ સખત જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે :

“પેલા તુમારો ગમે તેટલા ‘ખાનગી’ હશે પણ આ કેસની અંદર તો ઘણા મહત્ત્વના છે. ખબર ખાતાના વડાએ સરકાર ઉપર અને પ્રજા સામે તુમારિયાંનો મોટો થોકડો ફેંકી આ કેસ ઉપર અજવાળું પાડવાનો જે પ્રયત્ન કર્યો છે તેના કરતાં અમે જે તુમારોની વાત કરીએ છીએ તે આ કેસ ઉપર વધારે અજવાળું પાડે છે. એ તુમારોમાં સરકારી અમલદારોએ પોતે સરકારનું જે પોગળ કબૂલ કરેલું છે તે જો અમે પ્રગટ ન કરીએ તે અમે અમારી ફરજમાંથી ચૂક્યા કહેવાઈએ. છતાં અમે તો આ સરકારે પોતે જ આ યાદીમાં જે કાગળો પ્રગટ કર્યા છે તેમાંથી પણ એવું બતાવી શકીએ તેમ છીએ, જેથી સરકારનો આ કેસ ઊડી જાય.”

પછી પોલીસ સુપરિન્ટેનડેન્ટના આખા જિલ્લાના રિપોર્ટમાંથી બોરસદ તાલુકામાં જ બનેલા એવા કેસો ચૂંટી કાઢ્યા, જેમાં લોકોએ પોલીસને મદદ