પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
સરદાર વલ્લભભાઈ


એટલી ઓછી છે કે તેનો સુમાર નહીં.’ જો ઉપર આપેલી હકીકત લોકોની ‘નાહિંમત’નો, ‘મદદ કરવાની મરજી ન હોવાનો’ પુરાવો હોય તો એ સરકારી અમલદારોનો શબ્દકોશ કઈ જુદો જ હોવો જોઈએ.

સરદારે સરકારી રિપોર્ટની બીજી કેટલીક ત્રુટિઓ પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું. રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા કેસો ઉપરાંત સંખ્યાબંધ કેસો એવા હતા જેમાં માણસોએ બહારવટિયા સામે બહાદુરી બતાવેલી તથા તેમની બાતમી આપેલી. વળી બાતમી મળ્યા છતાં પોલીસે એ બાતમીનો કશો ઉપયોગ નહોતો કર્યો એવા કેસો તો સ્વાભાવિક રીતે જ રિપોર્ટમાં નોંધાયેલા નહોતા. ગયા ઑક્ટોબર માસમાં ખબર ખાતાના વડાએ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના ખાસ ખબરપત્રી તરીકે જે કેસનો ઉલ્લેખ કરેલો હતો તે પણ આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યો નહોતો. ‘બાબર તેની બાતમી આપનારાઓનાં વેર વાળ્યા વિના છોડતો નથી,’ તથા ‘પોલીસને બાતમી આપનારાઓ પર તેનો ગુસ્સો એટલે બધો કહેવાય છે કે તે પોતાનાં નજીકનાં સગાંઓને પણ છોડતો નથી’ એમ હોવા છતાં લોકોએ તો બાતમી આપવાની હિંમત કરી હતી.

સરકારી યાદી આગળ કહે છે કે, ‘સવાલ માત્ર એટલો જ છે કે વધારાની પોલીસનો ખર્ચ આખા ઈલાકાના કર ભરનારા ઉપર પડવા દેવો કે જે તોફાની ભાગના લોકોએ આ પોલીસ મૂકવાની જરૂર ઊભી કરી છે તેમણે વેઠવો જોઈએ ?’ એના જવાબમાં સરદાર કહે છે કે, સવાલ એ નથી. સવાલ તો એ છે કે લોકોની દાદ ફરિયાદ સાંભળ્યા વિના એમને દંડવા કે કેમ ? તાલુકાના શાંતિપ્રિય લોકોની આબરૂ ઉપર આ રીતે કલંક ચોંટાડવું કે કેમ ? બહારવટિયાઓની વારંવાર થયેલી ફતેહથી જિલ્લાના કાયદાનું પાલન કરનારા દબાઈ ગયેલા લોકોને આવી જુલમી રીતે દંડવા કે કેમ એ સવાલ તો છે.

સરકારી યાદીની વધુ સખત ઝાટકણી તો સરદાર હવે કાઢે છે : સરકારની વિરુદ્ધ જતા કેટલાક કાગળોમાંની હકીકત બહાર પાડવાનો અમને હક ન હતો એ વાંધો યાદીમાં ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અમે તેના ઉપર જે ગંભીર આરોપો મૂક્યા છે તે બાબત તે ચૂપકી જ પકડે છે. આટઆટલા બાતમીદારો પર ગોળીબાર થયા અથવા તેનાં ખૂન થયાં પણ પોલીસનો વાળ સરખો વાંકો નથી થયો તેનું કોઈ કારણ હશે ને ? આટઆટલી બાતમી પોલીસને મળી છતાં કેમ મુખ્ય બહારવટિયાઓને પોલીસ આજ સુધી પકડી શકી નહીં ? લોકો તો સરકાર ઉપર આરોપ મૂકે છે કે સરકારે પોતે જ અનેક ખૂન કરનાર બહારવટિયા સાથે ભળી તેને હથિયાર અને દારૂગોળો પૂરો પાડ્યો તથા લૂંટો અને ખૂન કરતાં તેણે જ તેને છૂટો ફરવા દીધો.