પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


છેવટમાં સરદાર લોકોના દિલનો સવાલ રજૂ કરે છે કે, જિલ્લામાં અથવા તાલુકામાં ગુનાબાજીની દશા પ્રવર્તી રહી છે તેને માટે જવાબદાર કોને ગણવા? પોતે એનો ઉત્તર આપે છે કે, અમને તો જરાયે શંકા નથી કે સરકાર જ દોષપાત્ર છે. તેણે વાવ્યું છે તેવું જ તે લણે છે. તેણે જ એક પ્રાણવાન, ઉદ્યમી અને ખેતી કરનાર કોમને ‘ગુનાબાજ’નો ચાંલ્લો ચોંટાડ્યો અને એવી રીતે તેને હલકી પાડી રોજ ને રોજ હાડછેડ કરી નિરાશાની છેક છેલ્લી ધાર ઉપર પહોંચાડી. ગુનાબાજ કોમોને લગતા કાયદા (ક્રિમિનલ ટ્રાઈબ્સ ઍક્ટ) પ્રમાણે હાજરી લેવી અને ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે જામીન લેવા એ સરકારના હાથમાં સહેલાં અને સસ્તાં સાધન થઈ પડ્યાં છે. કેટલાક અમલદારો પોતાના વધારે પડતા ઉત્સાહમાં આ કાયદાનો અમલ દુરુપયોગની હદ સુધી કરે છે. એક અમલદાર ખૂબ અકળાઈને કકળાટ કરે છે કે, ‘પરિસ્થિતિને પહોંચી વળવા સારુ લાંબો વિચાર કરીને અને કાળજીપૂર્વક ગણતરી કરીને ઉપાયો સૂચવાયા હતા. ઘણા જિલ્લા મૅજિસ્ટ્રેટોનો પણ એ યોજનાને મજબૂત ટેકો હતો. છતાં વિવિધ કારણોને લીધે એ યોજના મંજૂર ન થઈ. બીજી તરફથી ધારાળાઓની ગુનાબાજી તો ચાલુ જ રહી, એટલે આ દરખાસ્તો ફરી ને ફરી રજૂ કરવી રહી.’ એક અમલદાર કબૂલ કરે છે કે આ ગુનાબાજીનું કારણ આર્થિક છે. પરંતુ તેની સાથે તેને લાગે છે કે એ કારણ સહેલાઈથી દૂર થઈ શકે એવું નથી. એક બીજો અમલદાર વળી એમ કહે છે કે આપણે પૂરતા કડક નથી થયા, વધારે પડતી નરમાશ બતાવીએ છીએ. ગુનાબાજ કોમને લગતા કાયદા મુજબ જ, પણ આપણા બળ અને આપણા નિરધારનો તેમને પરચો દેખાય એવા ઉપાય યોજવા જોઈએ. સરદાર કહે છે કે આ બધા અમલદારો ગોથાં ખાય છે. હાજરીના ઉપાયમાંથી જ ગુના વધ્યા છે. રોગ કરતાં ઉપાય વધુ ખરાબ લેવાયા છે અને હાજરીથી જે બાકી રહ્યું તે જામીન કેસોએ પૂરું કર્યું છે. એવા જિલ્લાની કલ્પના કરો જેમાં એક વરસમાં અઢારસો જેટલા જામીન કેસ થયા હોય. સહેજસાજ શક પડ્યો કે કરો જામીન કેસ. પેલે બાપડો શું કરે ? તેને એમ થાય કે કાયમ પોલીસની નજર નીચે રહેવું તેના કરતાં જેલ વહોરી લેવી એ બહેતર છે.


લોકોની ગરીબીનું ઓસડ કરવાની સરકારે ના પાડી અને એ કામનો નૈતિક સુધારો કરવાની તો તેનામાં તાકાત જ નહોતી. એટલે સરકાર ગુનાખોરને લગતા કાયદાની અને જામીનગીરીની કલમોની વાડમાં જ બંધાઈ રહી. સજા-પોલીસ મૂકવામાં આવી એ પોતાની જાત પર આવીને ભરેલું તેનું આખરી પગલું હતું. આમ પોતાના જવાબનો ઉપસંહાર કરતાં સરદાર કહે છે કે :