પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬
સરદાર વલ્લભભાઈ


“અમને નથી લાગતું કે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ શી રીતે કરવું જોઈએ તે બાબતમાં અમારા વિચારોની ચર્ચા અમારે આ પ્રસંગે કરવી જોઈએ. અમે એટલું જ કહીશું કે કસાયેલા અનુભવી સ્વયંસેવકોને એ કોમની વચ્ચે ગામેગામ બેસાડી દેવાનો અમારો નાનો સરખો પ્રયોગ સારાં પરિણામ બતાવી રહ્યો છે. તેઓ સચ્ચાઈ, શાંતિ અને ખાદીનો સંદેશો ઘેરઘેર પહોચાડે છે. સરકાર જો આ પ્રદેશમાંથી ખસી જાય — અને માનમાં રહીને ખસી જવું એ જ તેને માટે ઉચિત છે — તો અમે પ્રજાની વચ્ચે રહીને શાંતિ અને વ્યવસ્થાના પાલનની જવાબદારી ઘણી ખુશીથી ઉપાડીશું.”

ઉપરનો જવાબ આપ્યા પછી સરદાર કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા કોકોનાડા જવા ઊપડ્યા. મુંબઈમાં બોરસદની લડત વિષે તેમણે જાહેર ભાષણ આપ્યું. સરકારી યાદી અને તેના જવાબમાં કહેલી સરકારનાં કરતૂતની બધી વાત સાંભળી લોકોમાં પ્રકોપ જાગ્યો. સરદારે સાફ સાફ કહ્યું કે :

“સરકારના ખાનગી કાગળો મેં મેળવ્યા છે અને તેમાંથી સરકારની મેલી ચાલ મેં બહાર પાડી છે. કાયદામાં તે ગુનો ગણાતો હોય તો સરકાર મારી ઉપર કેસ ચલાવે. હું માનું છું કે હું એને પહોંચી વળી શકીશ. પણ સરકારી અમલદારોએ એક બહારવટિયાને પકડવાનું માન ખાટવા બીજા બહારવટિયાનો આશરો લીધો, તેને બંદૂકો અને કારતૂસ પૂરાં પાડ્યાં, તેને લૂંટો અને ખૂનો કરવા દીધાં, એ સરકાર ઉપરના મારા જાહેર આરોપનો સરકાર શો જવાબ આપે છે ? આવી રીતે સરકારે પ્રજાનો દ્રોહ કર્યો, તેનો કેસ સરકાર ઉપર કોણ ચલાવે ? બહારવટિયાના સાથી તો પોતે છે, છતાં ચોર કોટવાળને દંડે એમ નિર્દોષ પ્રજાને બહારવટિયાની સાથી કહી તેમની પાસેથી દંડ લેવા સરકાર નીકળી છે !”

આ ભાષણ મુંબઈનાં એકેએક છાપામાં મોટાં મથાળાં સાથે છપાયું. મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સન બોરસદની લડત શરૂ થયા પછી નવા જ આવેલા હતા. તેઓ પોતાની સરકાર ઉપરનો આ ગંભીર આરોપ જાહેરમાં મુકાયેલ જોઈ ચોંક્યા. તેમણે હોમ મેમ્બરને જાતે બધી તપાસ કરવા બોરસદ મોકલ્યા. કાં તો સરકારે દંડ રદ્દ કરી પોતાની ભૂલ કબૂલ કરવી જોઈએ, કાં તો સરદારને પકડી તેમના ઉપર કેસ ચલાવવો જોઈએ, એ સ્થિતિ ઊભી થઈ હતી.

હોમ મેમ્બર સર મોરિસ હેવર્ડ તા. ૪-૧-’૨૪ના રાજ બોરસદ પહોંચ્યા. તેમણે પ્રથમ તો ઉત્તર વિભાગના કમિશનર, જિલ્લાના કલેક્ટર તથા બધા મૅજિસ્ટ્રેટ અને પોલીસ અમલદારો પાસેથી બધી વિગત જાણી લીધી અને પછી એ બધા અમલદારોની રૂબરૂ તાલુકાના આગેવાનોની મુલાકાત ગોઠવી. સ્થાનિક અમલદારોએ પોતાને અનુકૂળ લાગ્યા તેવા વીણી વીણીને દોઢસોએક આગેવાનોને આમંત્રણ આપ્યાં હતાં. તેમણે અગાઉથી મળીને પોતાના પ્રતિનિધિ તરીકે એક