પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

જ માણસ — બોરસદના શ્રી રામભાઈ વકીલ વાત કરે એવું નક્કી કર્યું. વળી આ આગેવાનોનો મોટો ભાગ અંગ્રેજી નહીં જાણતો હોવાથી શ્રી રામભાઈ એ બધી વાત ગુજરાતીમાં જ કરવી એમ પણ ઠરાવ કર્યો. પણ સાહેબના બંગલા આગળ તો અઢી ત્રણ હજાર લોક એકઠું થઈ ગયું હતું. સાહેબે અંદરથી કહેવડાવ્યું કે બધા વ્યવસ્થિત બેસી જાય અને શાંતિ રાખે તો ભલે ત્યાં બેસે. લોકો તરત સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. આ સભામાં દરબાર સાહેબ, પંડ્યાજી, રવિશંકર મહારાજ કે બીજા કોઈ કાર્યકતાં ગયા નહોતા. આમંત્રિત આગેવાનો બોરસદના વિનય મંદિરમાં બેઠા હતા ત્યાંથી ‘સાહેબ બંગલે બોલાવે છે’ એવો સંદેશ મળતાં વ્યવસ્થિત સરઘસના રૂપમાં ત્યાં પહોંચ્યા. જતાંવેંત તેમણે પોતાના પ્રતિનિધિની નિમણૂકની અને ગુજરાતીમાં બોલવાની વાત જાહેર કરી અને તે સાહેબે કબૂલ રાખી. હોમ મેમ્બરને ગુજરાતી આવડતું ન હતું એટલે તે અંગ્રેજીમાં બોલે તે લોકોને ગુજરાતીમાં સમજાવવાનું અને શ્રી રામભાઈ ગુજરાતીમાં જવાબ આપે તે સાહેબને સમજાવવાનું દુભાષિયાનું કામ કમિશનર સાહેબે કર્યું. જે સવાલ જવાબ થયા તેમાં લોકોની હિંમત, દૃઢતા અને વિનોદવૃત્તિ પણ દેખાઈ આવે છે.

હોમ મેમ્બરે શરૂઆત કરી કે ના○ ગવર્નર સાહેબ નવા જ આવેલા છે, તેઓ તમારી ચળવળમાં બહુ રસ લે છે. પણ આજ સુધી પ્રજા તરફથી કોઈ અરજી કરવામાં આવી નથી એ નવાઈની વાત છે.

શ્રી રામભાઈ એ જવાબ આપ્યો કે, અરજી કરવાની રીતમાં પ્રજા વિશ્વાસ ગુમાવી બેઠી છે. પ્રજાએ અનેક બાબતોમાં પહેલાં બહુ અરજીઓ કરેલી, પણ તેમને દાદ મળી નથી. એટલે થાકીને અરજી કરવાનું છોડી દીધું છે. પણ આવા મોટા પ્રશ્નમાં સરકાર અજાણ રહે અને અરજીની અપેક્ષા રાખે તો તો સરકાર પોતાની ફરજ ચૂકે છે એમ ગણાય. એટલામાં એક ભાઈએ શ્રી રામભાઈની રજા લઈને જણાવ્યું કે આ બાબતમાં તાલુકામાંથી ચાર અરજીઓ સરકારને કરવામાં આવી છે. કલેક્ટરે અને કમિશનરે એ વાત કબૂલ રાખી.

પછી સાહેબે જણાવ્યું કે, વધારાની પોલીસથી તાલુકામાં શાંતિ સ્થપાઈ છે એટલે ઘણો વખત હવે વધારાની પોલીસ રાખવી પડશે નહીં અને બધો સવાલ ટૂંકામાં પતી જશે.

તેના જવાબમાં શ્રી રામભાઈ એ વધારાની પોલીસના ત્રાસના, કનડગતના તથા તેનો ઉપયોગ લોકોને ધમકાવવા તથા ડરાવવાના કામમાં થતો હોવાના દાખલા આપ્યા. એટલે સાહેબે જણાવ્યું કે આવી બાબતમાં લોકોએ અધિકારીઓને ફરિયાદ કરવી જોઈ એ. શ્રી રામભાઈ એ જણાવ્યું કે ફરિયાદ કરવાનું કોઈ ઠેકાણું રહ્યું નથી. એમ કહી સામે બેઠેલા ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને