પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
સરદાર વલ્લભભાઈ


બતાવી બોલ્યા : આ સાહેબ બે દિવસ ઉપર જ નીસરાયા ગામના લોકોને ધમકાવી આવ્યા છે કે વેરો ભરી દો, નહીં તો બહારવટિયા ઝલુંદ ગામે આવ્યા છે તેમને તમારે ગામ મોકલીશું, તે તમને લૂંટી લેશે. એટલે પેલા પોલીસ અમલદારે પોતાનો બચાવ કરવા માંડ્યો કે મેં તો એમ કહેલું કે વેરો ભરી દો, જો તમારે ગામેથી વધારાની પોલીસ ઊઠી જશે તો બહારવટિયા આવીને તમારુ ગામ લૂંટી લેશે. નીસરાયાના એક ભાઈ એ તરત ઊભા થઈને કહ્યું કે અમારે ગામે પોલીસનું થાણું છે જ નહીં. એટલે શ્રી રામભાઈ એ કહ્યું કે તો તો શેષ વાત બહારવટિયાને મોકલવાની જ સાચી ઠરે છે.

એટલામાં એક જણે ઊભા થઈને કહ્યું કે ફરિયાદ તે કોને કરે ? અને શી કરે? અમારા આંકલાવ ગામમાં ચાર દિવસ ઉપર આ સામે બેઠા છે તે મામલતદાર સાહેબનો ચોરામાં મુકામ હતો. એક માણસે એક ઠેકાણે પેશાબ કર્યો તેનો મામલતદાર સાહેબે પંદર રૂપિયા દંડ કર્યો. હવે થોડા જ વખત ઉપર એની પાસે જ એમનો પોતાનો ઘોડો મૂતરેલો હતો અને આગલી રાત્રે એઓ પોતે જ એ જગાએ ઝાડે ફરવા બેઠા હતા ! આ સાંભળી બધા અમલદારો અને આખી સભા ખડખડાટ હસી પડી. બે જ જણ હસ્યા નહોતા : પેલા પકડાઈ ગયેલા ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને આ ફજેત થયેલા મામલતદાર.

અમલદારોનો આવો ફેસ્તો થતો જોઈ સાહેબે એ વાત પડતી મૂકી અને બહારવટિયાઓ કેમ પકડાય એની ચર્ચા ઉપાડી. શ્રી રામભાઈએ જણાવ્યું કે હમણાં જેવું પોલીસ ખાતું છે તેનાથી તો બહારવટિયા પકડાવાને બદલે નવા ઊભા થવાની દહેશત છે. જ્યારે અલી બહારવટિયો પહેલી વાર પકડાયો ત્યારે સરકારી ખબરખાતા તરફથી એમ જાહેર થયેલું કે ઉત્તરસંડાના જંગલમાંથી અલી નામના બહારવટિયાને પકડવામાં આવ્યો છે. અમે તો સૌ જાણીએ છીએ કે ઉત્તરસંડામાં જંગલનું નામનિશાન નથી. પણ એ અલીના સાગરીત એક પાટીદારે પોતાનું ગામ બહાર એક મકાન છે ત્યાંથી એને દગો કરીને પકડાવેલો. અને એ પણ જગજાહેર છે કે આ સામે બેઠેલા મગનલાલ ફોજદાર એ અલિયા બહારવટિયાના તેમ ઉત્તરસંડાના પેલા પાટીદારના દિલોજાન દોસ્ત છે. ઉત્તરસંડાના પાટીદારે અલીને પકડાવ્યો અને પોલીસ સાથે મળીને એને છોડાવ્યો એ પણ સૌ જાણે છે. એ ત્રણના કુંડાળામાં મગનલાલ ફોજદારને અને બહારવટિયાને સંબંધ હોય એ દીવા જેવું સ્પષ્ટ છે. તે ઉપરાંત મગનલાલ ફોજદારનાં કેટલાંય પોગળ અહીં બેઠેલા આ ડેપ્યુટી કલેક્ટર મિ. ગાંધી આગળના એક કેસમાં ખુલ્લાં પડ્યાં હતાં. એટલે મગનલાલ ફોજદાર કેવા છે તે હકીકત જાણવી હોય તે પૂછો મિ. ગાંધીને.