પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


એ તો મગનલાલની વિરુદ્ધ હકીકત કહેવા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા પણ હોમ મેમ્બરને આ દેખાવ ગમ્યો નહીં. તેમણે કહ્યું કે ડેપ્યુટી કલેક્ટરને જે કહેવાનું હશે તે મને કહેશે. તમારે જે કહેવાનું હોય તે કહો. એટલે શ્રી રામભાઈ એ કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આપને જે કહેશે તે જ સભાના તમામ માણસોને કહેવાનું છે. તમારા જ અમલદારોએ બહારવટિયા ઊભા કર્યા હોય અને તેમને તેઓ પકડતા ન હોય તો તેનો દંડ અમારી પાસેથી માગવાનો શાનો હોય ? આવી સડેલી પોલીસને દૂર કરો તે વગર પોલીસો પણ બહારવટિયા ઠેકાણે પડી જાય એમ છે. તેઓ સુધરવા માગે છે એવા કાગળો આ ચળવળ પછી તેઓ સત્યાગ્રહ છાવણીમાં લખતા થયા છે.

આમ પોલીસની વિરુદ્ધ ઘણી હકીકત કહેવામાં આવી. પછી બહારવટિયાઓની બાબતમાં પોલીસે કેટલાં કામ કર્યા છે તે સભાને જણાવવા ડી. એસ. પી.ને કહેવામાં આવ્યું. ત્રીસ ચાળીસ માણસોના નામનું ઓળિયું તેઓ કરી લાવ્યા હતા તે તેમણે વાંચવા માંડ્યું. ‘મશહૂર બહારવટિયા અમુક પકરા ગયા’, ‘મશહૂર બહારવટિયા અમુક મારા ગયા.’ તેઓ વાંચી રહ્યા એટલે શ્રી રામભાઈએ કહ્યું કે આ સાહેબે જેટલાં નામ વાંચ્યાં તેમાં કોઈ મશહૂર પણ નથી અને કોઈ બહારવટિયો પણ નથી. તેમાંનો એક પણ બહારવટિયા તરીકે જાણીતા હોય તો પૂછો આ સભાને.

આ બધો રંગ જોઈને સાહેબે આ મુલાકાત બંધ કરવાનું જણાવ્યું એટલે શ્રી રામભાઈએ બધા લોકોની વતી છેવટમાં જણાવ્યું કે તેની આ બધી વાત સાંભળી સરકાર આ વેરો રદ્દ કરવાના ઠરાવ ઉપર આવે તો પહેલાં ઘણી વાર બન્યું છે તેમ આ વખતે એમ નહીં થવું જોઈએ કે લોકો ગરીબ છે, વેરો ભરી શકે એમ નથી, અમને આજીજી કરે છે માટે અમે આ વેરો જતો કરીએ છીએ. અમે એવા ગરીબ નથી કે આટલો વેરો ભરવાના પૈસા અમારી પાસે ન હોય. પણ અમારી વાત ન્યાયની છે અને સરકારની વાત અન્યાયની છે, માટે આ વેરાની એક પાઈ પણ સરકારને ન આપવી એવો અમારો નિશ્ચય છે. જપ્તી બંધ કરાવી પોતાની તપાસનું પરિણામ સરકારની પાસે રજૂ કરવાનું કહી હોમ મેમ્બરે સભા બરખાસ્ત કરી.

સભાને બીજે દિવસે પોલીસનાં ગુણગાન કરવા માટે સ્થાનિક અમલદારો થોડાક પોતાના ફાવતા માણસોને હોમ મેમ્બર પાસે લઈ ગયા. એ તમામને તેઓ એક જ પ્રશ્ન પૂછતા કે, ગઈ કાલની સભામાં તમે હાજર હતા ? પેલા ‘હા’ કહે તો તેને તરત જ વિદાય આપતા. સરકારનો અન્યાય છે એવી તેમને પ્રતીતિ થઈ ગઈ હતી. તેઓ મુંબઈ પહોંચ્યા પછી તરત તા. ૮-૧-’૨૪ના રોજ મુંબઈ સરકારે નીચેની પ્રેસ નોટ બહાર પાડી :