પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
સરદાર વલ્લભભાઈ


બોરસદ તાલુકાના લોકોને ખરચે ત્યાં વધારાની પોલીસ રાખવાની આવશ્યકતા છે કે કેમ, તેની ના○ ગવર્નરે હોમ ડિપાર્ટમેન્ટના સભ્ય મારફતે ખાસ તપાસ કરાવી છે. ના○ ગવર્નરની વિનંતીથી હોમ મેમ્બરે છેલ્લા થોડાક દિવસ દરમિયાન ખેડા જિલ્લાની જાતે મુલાકાત લીધી હતી. ના○ ગવર્નરે, આ તપાસ વિષે પોતાની કારોબારી કાઉન્સિલ સાથે મસલત ચલાવી છે, જેને પરિણામે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે લોકોના રક્ષણ માટે તેમ જ બહારવટિયાઓનો પીછો પકડીને તેમને દબાવી દેવા માટે વિશેષ ઉપાય લેવા સારુ તાલુકાની સામાન્ય પોલીસ ઉપરાંત વધારાની પોલીસની મજબૂત ટુકડીઓ હજી થોડોક વખત રાખવી પડશે.
પરંતુ, સાથે સાથે, આ ટુકડીઓના ખર્ચ માટે નાખવામાં આવેલો વધારાનો વેરો લોકોને પાછો આપી દેવાને માટે સબળ કારણો છે, એવો તેઓ નામદારનો નિર્ણય થયો છે. વળી એ પણ સાચું છે કે, અત્યાર સુધી એકંદરે લોકો બહારવટિયાને પકડવામાં ઉદાસીન રહ્યા, તે ઘણુંખરું કેટલાક જાણીતા મુખ્ય બહારવટિયાઓની દુષ્ટ અને અમાનુષી રીતોને લીધે જ છે. વળી આ વખતે વરસાદની મોસમ કેટલેક અંશે નિષ્ફળ જવાને લીધે વધારાની પોલીસના નિભાવને માટે વેરો ભરવાનું પણ, કેટલાક લોકોને મુશ્કેલ પડે એમ છે. આ બધું જોઈને અત્યારે જે વધારાની પોલીસ મુકેલી છે તેનું ખર્ચ ચાલુ વર્ષમાં સરકારની સામાન્ય આવકમાંથી જ આપવાનું ના○ ગવર્નરે ઠરાવ્યું છે. અને આવતા વર્ષમાં એને કાયમ રાખવા માટે ધારાસભા પાસે એના ખર્ચની માગણી કરવામાં આવશે.
આ તાલુકાના લોકો લાંબા વખત સુધી ત્રાસદાયક ગુનાઓના ભોગ થઈ પડેલા છે, અને તેમને વધારાની પોલીસનો અનુભવ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે, એટલે બહારવટિયાઓને દબાવી દેવા માટે હવે પછી લેવાનાં પગલાંમાં ખરા દિલથી સહાય અને સહકાર કરીને, સરકારની આ ઉદાર નીતિનો તેઓ ઘટતો જવાબ વાળશે એ ના○ ગવર્નરને વિશ્વાસ છે.

સરકારની યાદી બહાર પડી કે તરત જ સરદારે પત્રિકા બહાર પાડીને લડત બંધ થયેલી જાહેર કરી. તેમાં લખ્યું :

સત્ય, અહિંસા અને તપનો ફરીથી એક વાર વિજય થયો છે. આ વિજય આપણી લડત જેટલી ન્યાયની હતી તેટલી જ ત્વરાથી થયો છે, એ વિશેષ આનંદની વાત છે. આ વિજય અપૂર્વ છે, કારણ કે આ વખતે ઉભય પક્ષનો વિજય થયો છે. સરકારે પોતાની ભૂલનો ખુલ્લા દિલથી અને હિંમતથી સ્વીકાર કર્યો છે. થયેલી ભૂલને પ્રતિષ્ઠાની ખાતર કોઈ પણ ભોગે વળગી રહેવાની પરાપૂર્વની રૂઢિ છોડી, નિર્દોષ અને કચરાયેલી પ્રજાને દોષિત અને દુ:ખી કરવાના મહા અપરાધમાંથી બચી જઈ, સત્યનો સ્વીકાર કરી, સરકારે પોતે પણ વિજય મેળવી લીધો છે. આવું ભારે નૈતિક બળ બતાવનાર નવા ગવર્નર સર લેસ્લી વિલસનને અમે ખરા અંત:કરણથી મુબારકબાદી ન આપીએ તો અમે અમારા કર્તવ્યમાંથી ચૂકીએ.