પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સરદાર વલ્લભભાઈ


વર્ષ ગાળવાનું એમને વાજબી ન લાગ્યું. ઉંમર મોટી થઈ હતી અને શક્ય એટલા વહેલા વકીલ થઈ, પૈસા કમાઈ વિલાયત જવું હતું. ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટે તો ઘેર રહીને વાંચી શકાય અને ખર્ચ કંઈ જ ન થાય એ પણ એની પસંદગીનું એક કારણ ખરું. વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માગી લાવી ત્રણ વર્ષ અભ્યાસમાં ગાળ્યાં અને ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા સને ૧૯૦૦ માં પસાર કરી.

વકીલાતના અભ્યાસ દરમ્યાન મોટે ભાગે નડિયાદમાં એમના મિત્ર કાશીભાઈ શામળભાઈ ને ત્યાં રહેતા. અહીં બનેલા એક પ્રસંગમાં, સરદારની ખૂબ નજીક રહેલા પણ બહુ ઓછા માણસો જે પારખી શક્યા છે એવી એમના જીવનની એક બાજુ પ્રગટ થાય છે. કાશીભાઈના પિતાના મિત્ર એક ડુંગરભાઈ મૂળજીભાઈ કરીને નડિયાદના પ્રખ્યાત વકીલ હતા. કાશીભાઈના પિતા ગુજરી ગયા ત્યારે આ ડુંગરભાઈએ કાશીભાઈના કુટુંબની સઘળી સારસંભાળ રાખેલી. જે વખતે સરદાર કાશીભાઈને ઘેર રહેતા હતા તે વખતે ડુંગરભાઈનાં પત્ની છએક મહિનાનો એકનો એક છોકરો મૂકીને ગુજરી ગયાં. એટલે કાશીભાઈનાં માતુશ્રી એને ઉછેરવા માટે પોતાને ઘેર લઈ આવ્યાં. કાશીભાઈ અને સરદાર ખડકીની મેડી ઉપર વાંચતા તથા સૂવા બેસવાનું રાખતા. એમણે બંનેએ છોકરાને માની જેમ ઉછેરી મોટો કર્યો. સરદાર તો છોકરાને પોતાને પડખે જ સુવાડતા અને રાત્રે ઊઠીને એને બે ત્રણ વાર દૂધ પાતા. રાતે છોકરો ઝાડો પેશાબ કરે તો એનાં બાળોતિયાં બદલાવતા અને બધું સાફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા. આ છોકરાને ત્રણેક વર્ષનો થયો ત્યાં સુધી ઉછેરીને મોટો કરવામાં સરદારે ખૂબ જ પરિશ્રમ ઉઠાવેલો. સરદારમાં આ જાતની માતૃવૃત્તિ નૈસર્ગિક છે. પણ એમના કડક દેખાવ અને ઓછાબોલાપણાને લીધે એ બીજાઓને દેખાતી નથી. યરવડા જેલમાં ’૩૨–’૩૩માં એ ગાંધીજીની સાથે રહ્યા ત્યારે ગાંધીજીએ એ બરાબર પારખી હતી અને સરદાર અહીં ‘મારી મા’ બન્યા છે એવું ગાંધીજીએ અનેક વાર કહેલું. મહાદેવભાઈ એ પોતાની ડાયરીમાં નોંધ્યું છે. ભાવતી વસ્તુ હેતપૂર્વક આગ્રહ કરીને ખવરાવવાની એમની ટેવનો પરિચય તો એમની સાથે રહેલા મિત્રોને અને સાથીઓને ઘણી વાર થયો છે. યરવડામાંથી ગાંધીજીના ઉપવાસ દરમ્યાન એમને નાસિક જેલમાં ખસેડ્યા ત્યારે ’૩૩–’૩૪ માં ત્યાંના અને ’૪૧ ની જેલ દરમ્યાન ત્યાંના એમના સાથીઓને એમના આ સ્વભાવનું દર્શન પહેલી જ વાર થયું તે એમણે કહી સંભળાવેલું. ઘણાએ સાનંદાર્શ્ચય સાંભળ્યું હશે. જેલમાં બધાને માટે બે વખત ચા સરદાર જાતે જ બનાવે. કોઈએ માત્ર એક પ્યાલો તો પીવાનો જ નહીં, ફરી વધારે ચા લેવી જ પડે. નાસ્તામાં જુદી જુદી વાનીઓ મંગાવીને અથવા તૈયાર