પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


“વસૂલ થયેઓ દંડ અને જપ્તીમાં લેવાયેલો માલ પાછો આપવાનું અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે ભોગવી લેવાનું ઠરાવ્યું, તેમાં આપણો વિજય સમાયેલો નથી. આપણી ઉપરનું કલંક સરકારે પાછું ખેંચી લીધું તેમાં આપણો વિજય છે ખરો. પણ ખરેખર વિજય તો તેની મહત્તા સમજવામાં અને તે પચાવવાની શક્તિમાં રહેલો છે. સરકાર હંમેશાં પોતાની ભૂલ કબૂલ કરતાં ડરે છે. શુદ્ધ શસ્ત્રોથી અન્યાયની સામે થનાર પ્રજાને પણ નમતું આપવામાં સરકાર પોતાને જોખમ માને છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે સરકારે પોતાની ભૂલને વગર સંકોચે જાહેર એકરાર કરી સત્યાગ્રહ શસ્ત્રથી લડતી પ્રજાને નમતું આપી એ લડત રાજમાન્ય છે એમ સ્વીકાર્યું છે. સરકારની આ સભ્યતાનો દુરુપયેાગ નહીં થાય એને માટે શબ્દોથી ખાતરી આપવી તે કરતાં ભવિષ્યના વર્તનથી બતાવી આપવું એ વધારે યોગ્ય ગણીશુ.”

પછી સરકારની યાદીમાં રહેલી એક મહત્ત્વની ત્રુટિનો ઉલ્લેખ કરતાં કહ્યું :

“સરકારે પોતાની રીતનો અમલ બોરસદના ધારાળાઓ ઉપર વર્ષોનાં વર્ષો સુધી અજમાવ્યો, તેનું પરિણામ અવળું આવ્યું છે. સરકારનો હેતુ શુદ્ધ હતો તેનો અમે ઇનકાર કરતા નથી, પરંતુ પરિણામ બુરું આવ્યું છે તે સરકારથી અજાણ્યું નથી. આ દુ:ખી કોમની સાથે સહાનુભૂતિથી અને મીઠાશથી કામ લેવાની જરૂર છે. એક બે ખૂની અને લૂંટારુઓને પકડવામાં જે સંખ્યાબંધ માણસોએ પોતાના પ્રાણ ખોયા છે, તેમનાં કુટુંબો પ્રત્યે દિલાસાનો એક પણ શબ્દ સરકારના કોઈ પણ તુમાર કે પત્રિકામાં અમારા જોવામાં આવ્યો નથી, તેથી અમને ખૂબ દર્દ થયું છે. સરકારી પ્રેસનોટના છેલ્લા પૅરેગ્રાફના જવાબ પૂરતા નાછૂટકે આટલો ઉલ્લેખ કરવાની અમને જરૂર પડી છે.”

આ સરકારી પ્રેસનોટ સીંદરી બળે પણ વળ ન મૂકે એના જેવી તો હતી જ. છતાં મહાદેવભાઈ એ ‘નવજીવન’ માં લખ્યું છે કે :

“એની ભાષાને ચૂંથવાનો પ્રયત્ન કરવો એમાં આપણી શોભા ન હોય. પ્રજાને માથેનું કલંક ધોવાય છે એટલું આપણે માટે પૂરતું છે. નવા ગવર્નર સાહેબે અસાધારણ દૃઢતા અને ન્યાય કરવાની તત્પરતાના રંગ દેખાડી રાજકર્તા મંડળમાં નવી ભાત પાડી છે.”

‘સર્વન્ટસ ઑફ ઇન્ડિયા’ જેવા સહકારી પત્રને પણ સરકારી પ્રેસનોટમાં પૂરતી મધુરતા ન જણાઈ. તેણે લખ્યું કે :

“લોકોની ઉદાસીનતા ધાડપાડુઓના ત્રાસને આભારી હતી એમ સરકાર કબૂલ કરે છે, પણ ખરી રીતે ઉદાસીનતા લોકોની હતી કે પોલીસની એનો ક્યાં વિચાર કરે છે ? વેરો રદ કરવાને માટે સરકારે મોસમ નબળી