પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


મુંબઈથી પણ ઘણું માણસ ઉત્સવમાં ભાગ લેવા ત્યાં આવી પહોંચ્યું હતું. લડતનો આરંભ કરવાની સભામાં પાંચસાત હજાર લોકો આવ્યા હતા. પણ આ પૂર્ણાહુતિની સભામાં પચીસથી ત્રીસ હજાર લોકો હશે. લડતમાં જેટલો પુરુષોએ હિસ્સો લીધો હતો તેટલો જ સ્ત્રીઓએ લીધો હતો અને સભામાં પણ કાંઈ નહીં તો ચોથા ભાગની બહેનો હતી. તેમાં અઢારે વર્ણનાં માણસો ભેગાં થયાં હતાં. મોટા મોટા થોભિયાવાળા અને પોતાની મોટાઈનો ફાંકો રાખનારા પાટીદાર, હુક્કો ગગડાવતા કદાવર બાંધાના અને હાથમાં લાંબી ડાંગવાળા બારૈયા અને પાટણવાડિયા તથા મોટા ફેંટાવાળા મગરૂર મોલેસલામ ગરાસિયા એમાં ખાસ ધ્યાન ખેંચતા હતા.

લડતમાં તો ઈશ્વરકૃપાથી આપણને વિજય મળ્યો પણ હવે આપણું કર્તવ્ય શું છે એ સમજાવતાં સરદારે ગંભીર વાણીમાં સભાને સંબોધીને કહ્યું :

“તમારો હવે એક જ ધર્મ હોઈ શકે. જો તમે સાચો વિજય મેળવ્યો હોય તો હવે તમારે સરકારના દોષો સામે જોવાનું છોડી દેવું અને તમારી પોતાની નબળાઈઓનો જ વિચાર કરવો. સરકાર સાથે તમારો નાનો કજિયો પતી ગયો, પણ આપણા માટે કજિયો હજી ઊભો છે. તે માટે સરકાર સાથે બાથ ભીડવાને આપણે તૈયાર ન હોઈએ ત્યાં સુધી તેના દોષ જોવાનું છોડી દઈએ. સરકાર સાથે છેવટનો મુકાબલો કરવાની તૈયારી માટે આપણે પોતાની નબળાઈઓ જલદી તપાસી લેવી અને તેને દૂર કરવી એ જ આપણો તાત્કાલિક ધર્મ છે.
“આ ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. એમાં દરબાર સાહેબની કે પંડ્યાજીની કે મારી કોઈની બુદ્ધિથી કે ચાતુરીથી આ બધું તમે મેળળ્યું નથી. પણ આજે જેલમાં બેઠેલા મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. હજી તો એમના આપણી ઉપર ચઢેલા ઋણનું વ્યાજ જ આપણે પાછું વાળ્યું છે. પણ મુખ્ય ઋણ અદા નથી કર્યું. તેમણે આપેલો પાઠ આપણે બરાબર શીખ્યા હોત, તેમની કહેલી બધી વાતો આપણે પચાવી હોત તો આજે બહારવટિયા આપણી વચ્ચે હોત જ ક્યાંથી ?
“આપણી લડત પૂરી થઈ છે. તેને સંકેલવામાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમાં બને તેટલી મીઠાશથી તમારે કામ લેવું. તમારામાંથી કોઈએ સરકારથી ડરીને, નબળાઈથી દંડના પૈસા ભર્યા હોય અથવા સરકારને જપ્તી કરવાની સગવડ કરી આપી હોય તેમને દંડવાનો કે ત્રાસ આપવાનો વિચાર તમે છોડી દેજો. મેં જોયું છે કે તમે વિજયની ઉજાણી કરવાના છો. તે ભલે કરો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તી કરવા આવનારાઓને