લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
સરદાર વલ્લભભાઈ


તથા પોલીસને પણ ભાગ લેવા નોતરજો. તેમની સાથે તમારે હવે કાંઈ લડત રહી નથી. તલાટી, મુખી, રાવણિયા, પાલીસ સૌની સાથે મહોબત કરજો. તેમણે કરેલી જપ્તીઓ ભૂલી જજો.

“આ સાલ આ તાલુકામાં વરસાદ કમી થયો છે. આનાવારી ગણવામાં આપણી અને સરકારની વચ્ચે મતભેદ છે. સરકાર મહેસૂલ લેવાની દૃષ્ટિએ આનાવારી આંકે છે, આપણે ન આપવાની દૃષ્ટિએ આંકીએ છીએ. આ મતભેદ તો રહેવાનો જ. પણ આ સાલે ન ભરીએ તો આવતી સાલ બેવડું મહેસૂલ ભરવું પડે. આપણે એક લડત પૂરી કરી છે એટલે ચાલુ સાલમાં આ બીજી લડત ઉપાડવી એ ઠીક નથી. હાલ આપણે મળેલી લડતના લાભને બરાબર કાયમ કરીએ એ જરૂરનું છે. માટે એ બાબતમાં કલેક્ટરનો જેવો હુકમ હોય તે પ્રમાણે મહેસૂલ ભરી દેવું એવી મારી તમને સલાહ છે. ગમતી સલાહ તો સૌ માને પણ ન ગમતી સલાહ પણ તમે માનતા થશો ત્યારે સ્વરાજ્ય સ્થપાવું સંભવિત થશે. માત્ર તમને રુચે એટલું જ અમારું કહ્યું તમે માનો તો તો આપણે પડ્યા જ છીએ. અમે સીધે રસ્તે જ લડનારા છીએ એવી સરકારને ખાતરી કરી આપો.”

તાત્કાલિક કર્તવ્ય વિષે આટલું કહીને પછી કાયમના કર્તવ્યનું વિવેચન કર્યું :

“આપણી વચ્ચે ચોર લૂંટારા ન રહી શકે તે માટે આપણાં ગામમાં ધાર્મિક, પવિત્ર વાતાવરણ પેદા કરવું જોઈએ. એ લોકોને આપણે સીધે રસ્તે ચઢાવવા જોઈએ. અહીંના શાહુકારોને હું કહું છું કે લૂંટનો ત્રાસ તમને સૌથી વધારે પડ્યો છે અને એ ચાલુ રહેશે તો ભવિષ્યમાં પણ તમારે જ વધારે વેઠવો પડશે. માટે લૂંટો ન થાય એવાં કામ કરવામાં તમારે જ વધારે રસ લેવો જોઈએ. તમારા હૃદયમાં રામ રાખીને તમારા ધંધા રોજગાર કરો. પ્રજાના રોષનાં કારણ તપાસો. સરકારની પોલીસ તમને રક્ષણ નહીં આપી શકે. એ તો ગુનો થયા પછી તેની નોંધ કરવા આવશે. તમારી પાસે પુરાવા માગશે. એમાં તમને ફાયદો નહીં પણ નુકસાન જ થશે. સરકારની પદ્ધતિ એવી છે કે એ તમારું રક્ષણ નહીં કરી શકે. માટે જો તમે પ્રભુનો ડર નહીં રાખો અને ગરીબનો પૈસો ખેંચવાની જ દાનત રાખશો તો તેનો બદલો પણ તમને એવો જ મળી રહેવાનો. ગરીબ જોડેના વેપારમાં પ્રભુનો ડર રાખી વાજબી નફો જ લેજો અને તેમને ચૂસવાનો વિચાર છોડો. કોઈ પણ માણસને ગુનો કે બહારવટું કરવાની હોંશ નથી, પણ એ શાહુકારોના જુલમથી કંટાળીને જ એવા ધંધા કરવા માંડે છે. એ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાની જરૂર છે, એ ગુનેગાર થતા અટકે એ આપણે જોવાનું છે.”

પછી બહારવટિયાને સંદેશો આપતાં કહ્યું કે :

“બાબર દેવાને તમારામાંના કોઈ પણ જાણતા હોય, કોઈને પણ તેની સાથે ભેટો થવાનો કે વાત કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો