પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
સરદાર વલ્લભભાઈ


આ લોકોએ પોલીસને પણ ફોડેલી. આ ચોરી કહો કે લૂંટ, એ પકડાવી મુશ્કેલ હતી અને જેમ જેમ ચોરી કરનારા ફાવતા ગયા તેમ તેમ એવા ગુનાનું પ્રમાણ વધતું ગયું. લાઈન ઉપરનાં ગામોમાં માલગાડીઓમાંથી પાડેલો, ખાંડના થેલા, કાપડની ગાંસડીઓ અને એવો બીજો માલ ધૂમ વેચાવા માંડ્યો. ખાંડ રૂપિયાની મણ અને જાત જાતનાં ફૅન્સી કપડાં પાણીને મૂલે વેચાય. લોકોને પણ એનો ચસકો લાગ્યો. માલ ચઢાવનારાઓ રેલવે ઉપર ફરિયાદ કરવા લાગ્યા. રેલવેએ આ લાઈન ઉપર પોતાની પોલીસ વધારી. પણ તેથી કાંઈ વળ્યું નહીં. છેવટે સરકારે લાઈન ઉપરનાં ગામોમાં સજા (પ્યુનિટિવ) – પોલીસ મૂકી અને એ બધાં ગામો ઉપર તેનો દંડ નાખ્યો. આ ચોરીઓમાંથી લાભ ઉઠાવનારાઓએ તો આ પોલીસને પણ ફોડી. ગુના કરનારા તો અમુક જ માણસો હોય અને દંડ ગામના દરેક માણસને ભરવાનો આવે, એટલે લોકોમાં ઉહાપોહ થયો. ગામોની આબરૂ સમાજમાં હલકી પડવા માંડી અને થોડા વખતમાં તો એવી સ્થિતિ થઈ કે એ ગામના છોકરાઓને કન્યા મેળવવામાં પણ મુશ્કેલી પડવા માંડી. આનો કાંઈ ઉપાય થવો જોઈએ એમ વિચારી ગામના સારા માણસોએ પ્રાંતિક સમિતિને અરજી કરી. સરદારે કહ્યું કે, “આ જાતનો એક પણ ગુનો ન થાય એની બાંયધરી આપવા દરેક ગામના આગેવાનો તૈયાર થતા હોય તો જ હું વચમાં પડું. બારૈયા અને પાટણવાડિયાની જવાબદારી તમે કદાચ એકદમ ન લઈ શકો, પણ આ ચોરીનો માલ તો ઉજળિયાત ગણાતી કોમના લોકો રાખે છે. એ લોકો ચોરીનો માલ રાખતા બંધ થઈ જશે તો પેલા લોકોને ઉત્તેજન નહીં મળે, એટલે એ લોકો ચોરી કરતા બંધ થઈ જશે. સરકાર સાથે લડવું હોય તો આપણી પ્રજા ઉપર આપણો પાકો કાબૂ હોવો જોઈએ. આપણે બંદોબસ્ત કર્યા છતાં કોઈ ચોરી કરે તો તેને ઉઘાડો પાડવાની આપણી તૈયારી હોવી જોઈએ.’ પછી શ્રી મોહનલાલ પંડ્યાને એ ગામોમાં તપાસ કરવા મોકલ્યા. પંડ્યાજીએ ગામેગામ સભાઓ કરી બંદોબસ્તના ઠરાવો કરાવવાનું શરૂ કર્યું. પણ તેમાં ચોરીનો માલ રાખનારા હરામખોર લોકોએ ગચ્ચાં નાખવા માંડ્યાં. દંડના તો પોતાને વરસ દહાડે દસબાર રૂપિયા ભરવાના આવે અને ચોરીના માલમાંથી તો ઘણો વધારે લાભ થાય. આમ કરતાં કરતાં દડનું ત્રીજું વરસ આવ્યું. સરકારે વધુ સખ્તીના ઉપાયો લેવા માંડ્યા. ચોરીનો માલ પકડવા માટે જપ્તીઓ શરૂ કરી. તેમાં નિર્દોષ માણસોને ત્યાં પણ જપ્તીઓ થવા લાગી. લોકો હવે વધુ અકળાયા. આમ દંડ અને જપ્તીઓ ચાલુ જ રહે તો તેમની આબરૂ સમાજમાં રહે જ નહીં. પંડ્યાજીના પ્રચારની પણ અસર થઈ હતી. છેવટે દંડવાળાં ગામના લોકોની આણંદ મુકામે સભા થઈ. તેમાં સરદારને બોલાવવામાં આવ્યા. સરદારે લોકોને ખૂબ સમજાવ્યું કે, આપણે વ્યક્તિ તરીકે