પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

નિર્દોષ અને શુદ્ધ હોઈએ એટલું બસ નથી, આપણી આસપાસના સમાજની બદીઓ નાબૂદ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ. ગામના સારા માણસો ઢાંકપિછોડો ન કરતાં આવા ગુના કરનારા માણસોને ઉઘાડા પાડે તો તેમની ગુના કરવાની હિંમત જ ન ચાલે. તમારામાંથી ઘણાએ દંડની સામે અરજીઓ કરી હશે પણ એ અરજીઓ પાછળ ગુના અટકાવવાની જવાબદારી લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. તો જ આપણે સરકારને પડકાર કરી શકીએ. એની પોલીસથી કશું થઈ શકતું નથી એ તો આપણે જોઈએ છીએ. આ ઉપરથી ગામેગામ પાકો બંદોબસ્ત કરવાના ઠરાવો થયા અને પોતાના ગામમાં ચોરીનો માલ જરા પણ ન આવે એની જવાબદારી તે તે ગામના આગેવાનોએ લીધી. પછી સરદારે ઉત્તર વિભાગના કમિશનરને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે આ ગામોમાં લગભગ ત્રણ વરસથી સજા–પોલીસ મૂકીને સરકાર લોકો ઉપર તેનો દંડ નાખતી આવી છે. ચોરીનો માલ પકડવા તેણે જપ્તીઓ પણ કરવા માંડી છે. છતાં તેનું કશું પરિણામ આવ્યું નથી અને ઊલટાની નિર્દોષ માણસોની કનડગત વધી છે. આવી સામાજિક બદીનો ઉપાય પોલીસ અને દંડ નથી પણ ગામેગામ પ્રતિષ્ઠિત આગેવાન માણસોને વિશ્વાસમાં લેવા એ છે. મેં મારા સ્વયંસેવકો મારફત એ કામ શરૂ કરી દીધું છે અને હવે આ પ્રકારની ચોરીઓ નહીં થાય એવી મારી ખાતરી થઈ છે તથા તે જાહેર કરવાની સ્થિતિમાં હું છું. માટે સજા–પોલીસનો દંડ કાઢી નાખવા તથા જપ્તીમાં લેવાયેલો માલ તે તે આસામીને પાછો સોંપી દેવા મારી વિનંતી છે. બોરસદમાં પોલીસથી કાંઈ ન થઈ શક્યું પણ અમારા સ્વયંસેવકોના પ્રયાસથી બહારવટિયાઓનો ત્રાસ નાબૂદ કરી શકાય છે એ અનુભવ તાજો જ છે. અને અહીં પણ લોકો ઉપર અને કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂકવામાં આવશે તો સારાં પરિણામ આવશે એની હું ખાતરી આપું છું. એમ છતાં દંડ કાઢી નહીં નાખવામા આવે તો એ દંડ નહીં ભરવાનો સત્યાગ્રહ કરવાની મારે આ ગામોને સલાહ આપવી પડશે.

કમિશનરનો મુકામ તે વખતે ભરૂચ હતો. તેને આ કાગળ આપવા અને તેની સાથે વાતચીત કરવા ખેડા જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે અબ્બાસ સાહેબ તૈયબજી ભરૂચ ગયા. કાગળ વાંચીને કમિશનરે કહ્યું કે, આ કાગળમાંનું છેલ્લું વાક્ય કાઢી નાખો એટલે દંડ રદ કરવાની ભલામણ સાથે હું કાગળ મુંબઈ સરકારને રવાના કરીશ. અબ્બાસ સાહેબે જવાબ આપ્યો કે, ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખનો કાગળ હું તો તમને આપવા આવ્યો છું. તેમાંથી એક વાક્ય તો શું પણ કોઈ શબ્દનો અથવા તો કાનામાત્રાનો પણ ફેરફાર કરવો એ મારા અધિકાર બહારનું છે. આ કાગળ ઉપરથી સરકારને ભલામણ