પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
સરદાર વલ્લભભાઈ

હોવાથી મારા વિચાર આવા ખરાબ વખતમાં સારા રહ્યા છે, તો કોઈ વખત પણ મારી સારી સ્થિતિ આવશે ત્યારે તમને ખાતરી થશે. હાલ તો હું લાચાર છું. પ્લેગનું જોર વધશે તો કાશીભાઈને મોકલી દેવાનો વિચાર છે.

તમારે ત્યાંની ખબર અંતર લખતા રહેશો.
મુ. પિતાજીને બરાબર સંભાળજો. એ જ. કામકાજ લખશો.
લિ. સેવક,
વલ્લભના દંડવત્‌
 

ઘરની આર્થિક મુશ્કેલીઓનો ઉપરના કાગળમાંથી ખ્યાલ આવે છે. ત્રણ વર્ષમાં જ કમાઈને કુટુંબનું દેવું વાળવામાં સરદાર મદદ કરે છે તથા કાશીભાઈના અભ્યાસની ચિંતા કરે છે તે બોરસદથી તા. ૧૫–૧–’૦૪ ના રોજ લખેલા નીચેના કાગળ ઉપરથી જણાય છે :

મુ. નરસીભાઈ,
આપનો પત્ર આજ રોજ મળ્યો છે. મારા ખાનગી કામે નડિયાદ જવાનું હતું તેથી કાગળ લખેલો રહેવા દીધો હતો. પણ અચાનક કામ પ્રસંગે જવાનું બંધ રહ્યું તેથી મેં ગઈ કાલે જ નડિયાદ ડુંગરભાઈ ઉપર કાગળ મોકલ્યો છે. તેથી તેમણે આજે નારણભાઈને રૂપિયા આપ્યા હશે અને નહીં આપ્યા હોય તો કાલે આપશે. પણ તમારે આટલી બધી ઉતાવળ હશે એનો મને બિલકુલ ખ્યાલ નહીં. વ્યાજ સુધ્ધાંત રૂપિયા આપવાનું લખી દીધું છે. એટલે તમારે એ બાબત વધારે ફિકર કરવા જેવું નથી. બહેનની જણસો ગીરો મૂકવા સુધી તમે લખ્યું એ તમને છાજતું નથી. તેમ છતાં તમે મુરબ્બી છો અને તમને ઠીક લાગ્યું તે ખરું. મેં તો રૂપિયા આપવાનું લખી દીધેલું છે. મેં કંઈ તમો લખો છો તેવી મશ્કરી કરવાનું ધાર્યું નથી. એકાદ બે દિવસમાં તમારા ઉપર રૂપિયા પહોંચ્યાનો કાગળ આવશે. વળી તમો લખો છો કે અમારે દેવું છે. તો તમારે દેવું એ અમારે જ દેવું એમ હું સમજું છું. તો તમારે કોનું કોનું અને કેટલું કેટલું દેવું છે તે મને તાકીદે લખી જણાવશો કે હું બનતી ત્વરાએ તેમાંથી તમને મુક્ત કરીશ કે જેથી તમારે દુઃખમાંથી છૂટા થવાય.
બીજું તમને લખવાનું કે તમારે આજથી હવે ખેતી બિલકુલ કરવી નહીં. ફક્ત ઘરના ખર્ચનો હિસાબ રાખવો અને જેટલું ખર્ચ થાય તેટલું અમારી પાસે માગી લેવું. આથી તમારે બિલકુલ માઠું લગાડવાનું નથી. કારણ, ખેતીથી તમારાં બંને ભાઈઓનાં[૧] શરીર તદ્દન ખરાબ થઈ જાય છે એટલું જ નહીં પણ તેમાં તમારે ઘણું જ ગધ્ધાવૈતરું કરવું પડે છે અને તેમાં એટલો બધો ફાયદો નથી. માટે તમો આજથી જે કંઈ ખર્ચ કરો
  1. ❁ બે ભાઈઓ એટલે સૌથી મોટા શ્રી સોમાભાઈ તથા બીજી શ્રી નરસીભાઈ. ખેતી છોડી દેવાની સલાહ છતાં શ્રી નરસીભાઈએ છેવટ સુધી ખેતી છોડી નહોતી.