પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
ગૃહજીવનમાં ડોકિયું

તેનો હિસાબ દરેક મહિને અમારા તરફ મોકલજો અને અમે દર મહિને પૈસા ચૂકવી દઈશું.

બીજું ચિ. કાશીભાઈ ત્યાં આવેલો છે તેને તાકીદે અહીં મોકલજો. એને સમજણ પાડશો કે હવે ઉંમર થયા પછી રખડતા ફરવું એ સારું નથી. માટે કાળજી રાખી અભ્યાસ કરે. નડિયાદ છોડી એ શા કારણથી ત્યાં આવ્યો એ કંઈ સમજાતું નથી. અમારે એને મુંબઈ મોકલવાનો વિચાર છે. માટે તમો એને અત્રે મોકલશો.
મુ. સોમાભાઈને તાવ મટ્યો ના હોય તો અત્રે આવશે તો દવા વગેરેનું સાધન મળશે તેથી સારો આરામ થશે. વળી તાવ મટ્યો હોય તો પણ થોડો વખત અહીં રહેશે તો શરીર સુધરશે. માટે અહીંયાં મોકલશો.
એ જ, કામકાજ લખશો.
આણંદથી પાયા આવ્યા કે નહીં તે લખશો. લાકડું મોકલવા ગોધરે કાગળ લખ્યો છે.
લિ. સેવક,
વલ્લભભાઈ
 

ઉપરના કાગળમાં લખ્યા પ્રમાણે પૈસા મોકલવાનું શરૂ કરી દીધાનું નીચેના કાગળ ઉપરથી જણાય છે :

આણંદ, તા. ૨૪
 
મુ. ભાઈ શ્રી નરસીભાઈ,
આ સાથે રૂ. ૧૦૦ અંકે સો મોકલ્યા છે તે પહોંચ્યાનો જવાબ તુરત લખજો અને લાડબાઈની[૧] ખબર મોકલશો. એમને મરડો થયો હતો તે હવે મટ્યો હશે. આવતી કાલે મારે બોરસદ જવું છે માટે બનશે તો આવતે રવિવારે આવીશ. એ જ.
લિ. સેવક,
વલ્લભભાઈ
 

પછી બૅરિસ્ટર થવા માટે પોતાને બદલે વિઠ્ઠલભાઈને જવા દીધા અને ત્યાંનું એમનું બધું ખર્ચ ઉપાડ્યું તથા ઘેર પોતે કુટુંબક્લેશ વેઠ્યો. ભાભીને ખાતર પત્નીને બે વરસ પિયરમાં રાખ્યાં. વિલાયત જવાની અગાઉ પત્ની ગુજરી ગયાં ત્યારે સગાંવહાલાં તથા મિત્રોના ઘણા આગ્રહ છતાં ગૃહિણીથી બનેલું ઘર ફરી રચવાનો વિચાર સુધ્ધાં ન કર્યો. કરમસદનાં ઘરબાર અને જમીનની ત્યાં રહેલા બે મોટા ભાઈઓએ જે કાંઈ વ્યવસ્થા કરી તેમાં તો પહેલેથી જ તેમણે કદી માથું માર્યું જ નથી. પણ તેમને બને તેટલી મદદ જ કરી છે અને નાના ભાઈની કેળવણીની પણ કાળજી રાખી છે.


  1. ❁ માતુશ્રીને લાડબાઈ કહેતા હતા તે અગાઉ કહેવાઈ ગયું છે.