- મુ. નરસીભાઈ,
- આપનો પત્ર મળ્યો છે. પરીક્ષાનું પરિણામ જણાયા પછી હું ગામડાંઓમાં ફરવા ગયો હતો. તે હવે લંડનમાં પાછો આવ્યો છું. હવાના ફેરફારથી અને અભ્યાસમાંથી મુક્ત થવાથી મારી તબિયતમાં ઘણો જ સુધારો થયો છે. મુ. માતાપિતાના શુભ સમાચાર જાણી આનંદ થયો છે. હવે પાછા આવવાને પાંચ માસ રહ્યા છે. ચોક્કસ દિવસ હજી નક્કી નથી. નક્કી થયેથી તમને ખબર લખીશ. સર્વે સગાસંબંધીઓને મારી કુશળતાના સમાચાર કહેશો. અને સર્વેના સુખસમાચાર વારંવાર લખતા રહેશો. માતાપિતાને મારા દંડવત્ પ્રણામ કહેશો. એ જ
દેશમાં આવી અમદાવાદમાં બૅરિસ્ટરી શરૂ કર્યા પછી અમદાવાદના પોતાના ઘરનું ખર્ચ, મુંબઈમાં વિઠ્ઠલભાઈના ઘરનું ખર્ચ તથા કરમસદ નાણાં મોકલવાનાં, એ બધો ભાર જ્યાં સુધી પ્રૅક્ટિસ ચાલુ રાખી ત્યાં સુધી ઉપાડ્યો. ૧૯૧૮ના ખેડા સત્યાગ્રહ વખતે પ્રૅક્ટિસ છએક મહિના બંધ કરેલી. ફરી શરૂ કરી એટલામાં રોલૅટ સત્યાગ્રહ આવ્યો એને કારણે કેટલોક વખત બંધ રહી. પછી વળી શરુ કરી ને કરી ત્યાં અસહકાર આવ્યો એટલે કાયમની છોડી. પ્રૅક્ટિસ સારી ચાલતી એટલે સરદાર પૈસાની કશી પરવા જ રાખતા નહીં. બહુ ખર્ચાળ ઢબે રહેતા અને આખા કુટુંબનો ભાર ઉપાડતા, એટલે જ્યારે પ્રૅક્ટિસ કાયમની છોડી ત્યારે પાસે ખાસ કશો ધનસંગ્રહ નહોતો. છતાં કમાણી છોડવી એ એમને મન મોટી વાત નહોતી. એ તો તૃણવત્ હતી. એમણે જે મોટો ત્યાગ કર્યો એ તો બાળકોને વિલાયત મોકલી લાંબા અભ્યાસ કરાવવાની તથા તેમની ભવિષ્યની કારકિર્દીની મોટી મોટી યોજનાઓ મનમાં ઘડી રાખી હતી તે સઘળી જતી કરી, એ હતી. મણિબહેન ૧૯૧૮માં જ અમદાવાદ આવી ગયાં હતાં અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયાં હતાં. ડાહ્યાભાઈએ અસહકાર શરૂ થયા પછી મુંબઈની શાળા છોડી. તેઓ પણ અમદાવાદ આવી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયાં હતાં.
સને ૧૯૧૪માં પિતાશ્રીનું અવસાન થયું તે વખતનો શ્રી વિઠ્ઠલભાઈનો લખેલો એક કાગળ મળી આવે છે. મરણ પાછળના રીતરિવાજોમાં સુધારા કરવાની બાબતમાં વિઠ્ઠલભાઈ કેવું કડક વલણ રાખતા અને એ બાબતમાં સરદારના વિચારો વિષે પોતે શું ધારતા તેનો એ કાગળ ઉપરથી ખ્યાલ આવે છે :