પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
સરદાર વલ્લભભાઈ


પ્રમાણે જ ચાલુ રહ્યું. ડાહ્યાભાઈ સરદાર સાથે બોલતા અને કોઈ કોઈ વાર ગેલ કરતા એમને વળગતા, પણ મણિબહેન એક શબ્દ પણ એમની સાથે બોલતાં નહીં અને સરદાર પણ એમની સાથે વાત કરતા નહીં. એટલે સુધી કે મણિબહેનને સરદારની સામે આવતાં પણ સંકોચ થતો. સરદાર સવારે દીવાનખાનામાં આંટા મારતા હોય ત્યારે મણિબહેન નહાઈ ધોઈને પાસેના ખંડના બારણામાં આવીને ઊભાં રહે. સરદાર એમને પૂછે કે, ‘કેમ છે’ અને મણિબહેન જવાબ આપે કે, ‘સારું છે.’ આખા દિવસમાં બે વચ્ચે આટલો સંવાદ થતો. પછી બીજે દિવસે સવારે પાછાં મણિબહેન મોં બતાવે અને એ જ સંવાદ થાય. મા નાનપણમાં ગુજરી ગયેલાં અને સરદાર સાથે હોઠ ખૂલ્યા જ નહીં એટલે મણિબહેનને તો માતાપિતાનાં હેત કે લાડનો લહાવો મળ્યો જ નહીં. સદ્‌ભાગ્યે પડોશમાં જ દાદાસાહેબ માવળંકર રહેતા. તેમનાં માતુશ્રી મણિબહેનની ખૂબ સંભાળ રાખતાં અને દાદાસાહેબનાં પ્રથમ પત્ની સાથે પણ મણિબહેનનો જીવ બહુ મળી ગયેલો હતો. મણિબહેન આખો દિવસ દાદાસાહેબને ઘેર જ ગાળતાં. ત્યાં મણિબહેનને કુટુંબની હૂંફ અને છાંયો મળ્યાં. જોકે બંને બાળકોને પિતા તરફથી સ્વતંત્રતા પાર વિનાની મળી હતી અને એ સ્વતંત્રતા આપનાર પિતાના મૂક પ્રેમમાંથી હૂંફ પણ તેઓએ મેળવી હશે. છતાં આપબળે જ ઘડાયેલા સરદારે પોતાનાં બાળકો પણ આપમેળે જ ઘડાય એમ માન્યું હોવું જોઈએ. ઘણાં માબાપો પોતાનાં બાળકોની કેળવણી અને ઘડતરની વધારે પડતી ચિંતા અને ખટપટ કરી ઊલટાં તેમના વિકાસમાં દખલરૂપ બને છે તેના કરતાં તો સરદારે આપેલી આ સ્વતંત્રતા ખોટી ન ગણાય.

બોરસદની લડત પૂરી થયા પછી સરદાર કરમસદ ગયેલા ત્યારે સરદારનાં માતુશ્રીએ મણિબહેનનાં લગ્નની બાબતમાં સરદાર સાથે કરેલો સંવાદ મહાદેવભાઈએ ‘નવજીવન’માં પાત્રોનાં નામ લખ્યા વિના આપ્યો છે. તેમાં પોતાનાં બાળકો પ્રત્યેના સરદારના વલણનું સુંદર ચિત્ર મળે છે :

એક મોટા ખંડમાં ઝીણો સરખો દીવો બળતો હતો. એક કોરે ત્રણેક છોકરાં (શ્રી કાશીભાઈનાં) ખૂબ ઓઢીને ભેગાં સૂતાં હતાં, અને બીજી કોરે અંદરના ઓરડાના બારણા આગળ એંશીએક વર્ષનાં સૂકલકડી શરીરનાં એક ડોશી બેઠાં હતાં. ભીંતની સાથે ગાદી તકિયા મૂકેલા હતા, અને સામે નાનકડી બુકકેસ ઉપર કાયદાનાં થોડાં ચોપડાંઓ પડેલાં હતાં.
પચાસેક વર્ષના દીકરા દાદર ચઢી ‘કેમ બા’ કરી તકિયે બેઠા. ડોશીમાની આંખે ઝાઝું દેખાતું ન હતું. “કોણ ભાઈ ? . . . ભાઈ ? આવો, છોકરાં સારાં છે ?” કહી ડોશીએ આવકાર આપ્યો.
દીકરાએ જવાબ આપ્યો : “હા, સૌ સારાં છે.”