પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
ગૃહજીવનમાં ડોકિયું


“ગાંધીજી છૂટી ગયા. બહુ સારું થયું. મને તો દરરોજ થયાં કરતું કે, એમને કેવી રીતે છોડાવાય ? કેવી રીતે છોડાવાય ? પણ સરકારે છોડ્યા.”
“હા.”
“અહીં એ ક્યારેક આવશે ?”
“હજી ઇસ્પિતાલમાં થોડા દહાડા રહેવું પડશે.” દીકરાએ ટૂંકામાં પતાવ્યું.
“અંદર રગ ઉપર ગૂમડું થયું હતું તેથી કાપવું પડ્યું, કેમ ? બહુ દુઃખી થયા હશે ?”
“હાસ્તો.”
“. . . ભાઈ હમણાં ક્યાં છે ?”
“દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય ?”
ડોશીમાએ હકાર કે નકારમાં ડોકું ન ધુણાવ્યું. કંઈક અન્યાય થતો હોય એમ માની ચૂપ જ બેસી રહ્યાં. પછી થોડીક વાર રહીને બોલ્યાં :
“અહીં રહેશો ?”
“ના, કાલે જવું છે.”
“જુઓને, બધાનું સારું થયું. અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીયે છૂટ્યા. હવે ઘરમાંયે…”
વાક્ય પૂરું થાય તે પહેલાં દીકરાએ તે વાક્ય ઉપાડી લીધું :
“ઘરમાંયે સારું કરો. એટલે… બહેનને સારુ હવે તપાસ કરો, કેમ?”
“હાસ્તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.”
“ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.”
ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ ડોશીમાં જોઈ શક્યાં. એટલે તરત જ બોલ્યાં :
“તે તો થશેસ્તો. પણ આપણે કાંઈ દલાલ થયા વિના ચાલે એમ છે ?”
દીકરા ચૂપ રહ્યા. એ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી. “પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા[૧] આવતા હતા તે નથી આવ્યા ?”
“ના, ઘેર રહ્યા છે.”
દીકરાએ ભાગ્યમાં લખેલું હશે તેમ થશે એમ બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચઢ્યું હતું. તેઓ ડોશીમાના સવાલના જવાબ યાંત્રિક રીતે આપ્યે જતા હતા, મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર કરી રહ્યા હતા.

  1. અબ્બાસ સાહેબ તૈયબજી.