પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧
ગૃહજીવનમાં ડોકિયું


ન બેલાવાય એ જૂનો રિવાજ પણ કારણ હશે. બાકી તંદુરસ્ત અને તોફાની બાળકો સાથે ધિંગામસ્તી કરતી વખતે સરદાર એમનું મોટાપણું ભૂલી જાય છે. પોતાના પૌત્રો, ભત્રીજાના છોકરાઓ અથવા મિત્રનાં છોકરાં, એમની સાથે રમવાની તક તેઓ જતી કરતા નથી. એમને કૂદાવવાં, ગલોટિયાં ખવડાવવાં, એમની સાથે સંતાકૂકડી રમવી, મુક્કાબાજી કરવી, એ એમનો ખાસ શોખનો વિષય છે. બાળકો સાથે પત્તે રમતા હોય ત્યારે બાળકોને બધું રમણભમણ કરવામાં તેમના ઉત્તજનને લીધે મણિબહેનની વસ્તુઓની ગોઠવણ, વ્યવસ્થા, સાકસૂફી બધુ બાજુએ રહી જાય છે. બાળકો સાથે તોફાનમસ્તી કરવી એ સરદારનું એક મોટામાં મોટું મનોરંજન છે.

વિઠ્ઠલભાઈ તથા સરદારે પોતપોતાની કારકિર્દી શરૂ કરી ત્યારથી અથવા તેઓ અભ્યાસ કરતા ત્યારથી બધા ભાઈઓને સાથે રહેવાનું ભાગ્યે જ બન્યું હતું. કરમસદ પણ તેઓ ક્વચિત જ જતા, અને તે પણ જાહેર કામને અંગે જવાનું થાય ત્યારે જ. ૧૯૨૭માં ગુજરાતના રેલસંકટ વખતે વિઠ્ઠલભાઈ વડી ધારાસભાના પ્રમુખ હતા અને તેઓ નડિયાદ આવીને રહ્યા હતા તે વખતે માતુશ્રી અને પાંચે ભાઈઓ પરિવાર સમેત લગભગ એક મહિનો નડિયાદ ભેગા રહ્યા હતા. ત્યારે ઘણે વર્ષે માતુશ્રીએ અને સઘળા ભાઈઓએ ગૃહજીવનનો લહાવો લીધેલ. પાંચ પુત્રોથી વીંટળાયેલાં વૃદ્ધ માતુશ્રીને તે વખતના ફોટો આ પુસ્તકમાં આપેલ છે.