પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
સરદાર વલ્લભભાઈ

હતું તેનો એમને પૂરેપૂરો ખ્યાલ હતો. એટલે ત્યાંના લોકોને તથા કાર્યકર્તાઓને સાવધાન કરવા હૃદયમાં સોંસરા ઊતરી જાય એવા શબ્દોમાં તેમણે કહ્યું:

“બારસદે આ ઠરાવનો સ્વીકાર કરતાં ખૂબ વિચાર કરવો ઘટે છે. બોરસદને હું જેટલું ઓળખું છું તેટલું અહીં ભેગા થયેલામાંથી એક પણ જણ ન ઓળખતો હશે. બોરસદની શક્તિનીયે મને ખબર છે. બોરસદની ખોડ અને એબોને પણ હું પૂરી જાણું છું. કુંદનની અંદર કાજળના ડાઘ જોવાની વૃત્તિવાળા અહીં પડેલા છે. એ બોરસદે ઠરાવ કરતાં પહેલાં ખૂબ વિચારી લેવું જોઈએ.”

ચેતવણીનો આ ગંભીર સૂર કાઢવા ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં એક બીજી મોટી વાત એ કહી કે :

“ગાંધીજીને બહાર આવ્યા પછી એમ લાગે છે કે દેશ નિરાધાર દશા ભોગવે છે, એ દુ:ખદ સ્થિતિ છે. ગાંધીજીને આપણે બધી ચિંતામાંથી મુક્ત કરવા જોઈએ. આ પ્રમાણે ઠરાવ કરીને આપણું કાર્ય ગાંધીજીને પૂછવા ગયા વિના પૂરું કરીએ તો જ આપણે તેમને નિશ્ચિંત કરી શકીએ. ગુજરાતને હું વીનવું છું કે તે પોતાનાં દુ:ખ ગાંધીજી પાસે લઈને ન જાય. તેમને બીજાં અપરંપાર દુઃખોની ચિંતા પડી છે.”[૧]

પરિષદમાં બીજો એક મહત્વનો ઠરાવ દેશસેવાનું જીવનવ્રત લેનારાઓના એક પ્રાંતિક સેવામંડળની યોજના ઘડી કાઢી તે પ્રાંતિક સમિતિ આગળ રજૂ કરવા એક નાની સમિતિ સરદારના પ્રમુખપણા નીચે નીમવાનો હતો. એ યોજનાએ મૂર્તરૂપ ન પકડ્યું. પણ ગાંધીજીએ રજૂ કરેલા સેવાના આદર્શોથી પ્રભાવિત થયેલ અને સરદારની મદદ તથા હૂંફથી પોષાયેલો એક સેવકવર્ગ તો ગુજરાતમાં નિર્માણ થયો જ હતો. આજે પણ એ સેવકો જુદી જુદી


  1. ❁ ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા કે તરત એમના ઉપર પ્રશ્નોની ઝડી વરસી રહી હતી. અમુક કર્યું તે બરાબર થયું કહેવાય ? અમુક કરીએ એ બરાબર છે ? હવે અમે શું કરીએ ? આપના કાર્યક્રમમાંથી કાંઈ પરિણામ લાવી શકાય એમ તો લાગતું નથી, પણ આપની ઉપર શ્રદ્ધા છે એટલે એ કામને વળગી રહું છું, એ બરાબર છે ને ? વગેરે. આવા આવા સવાલો જૂના અને પીઢ ગણાતા કાર્યકર્તાએ પણ પૂછવા મંડ્યા હતા. ગાંધીજીએ એ વિષે ‘યંગ ઇન્ડિયા’માં ‘હૃદય શેાધક’ ( હાર્ટ સર્ચ૨) એ નામનો લેખ લખી તેમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું : “દેશ આવી નિરાધાર દશા ભોગવે તે કરતાં તો એમ થાય છે કે આખી સજા પૂરી કરવાનું થયું હોત એ જ સારું થાત, અથવા એમ થાય છે કે આશ્રમનો એક ખૂણો શેાધી ત્યાં પડ્યો પડ્યો કાંતવા, પીંજવાનું અને વણવાનું કામ કર્યા કરું અને બાળકો સાથે ખેલ્યાં કરું. દેશ મને ભૂલી જઈ પોતાનો સ્વતંત્ર વિચાર કરી લે અને સ્વતંત્ર રીતે પોતાનો ઉદ્ધાર કરી લે.” એવા તેમના ઉદ્‌ગારોને અનુલક્ષીને સરદારે ઉપરની વિનવણી ગુજરાતને કરી હતી.