પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૮
સરદાર વલ્લભભાઈ

બરાબર જાણતી હતી. એને એ પણ ખાતરી હતી કે પોતાના કારભારમાં જરાયે અડચણ આવે એટલે દરજ્જે નાફેરવાદીઓનો પંચવિધ બહિષ્કાર અથવા અસહકાર હવે લોકોમાં ચાલવાનો નથી. એટલે જ ગાંધીજીને છોડ્યા હોવા જોઈએ. નવી ઊભી થયેલી મુશ્કેલીઓની વચ્ચે ગાંધીજીને આખી રચના નવેસરથી કરવાની હતી. બહાર આવ્યા ત્યારે તેમનો વિચાર કૉંગ્રેસને ચુસ્ત અસહકારની નીતિમાં દૃઢ કરવાનો હતો.

જૂહુમાં સ્વરાજ પક્ષના નેતાઓ સાથે ધારાસભા પ્રવેશની બાબતમાં ચાલેલી ચર્ચાને અંતે ગાંધીજીએ ‘ધારાસભાઓ અને અસહકાર’ એ નામની એક છાપાં જોગી યાદી બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે :

“સ્વરાજ પક્ષના મિત્રો સાથે સહમત થવાની મારી બધી ઉત્સુકતા અને બધા પ્રયત્નો છતાં તેમની દલીલો મારે ગળે ઊતરી નથી. અમારી વચ્ચેના આ મતભેદ માત્ર ગૌણ વસ્તુઓના અને વિગતોના છે એમ પણ નથી.અમારી વચ્ચે સિદ્ધાંતોનો જ મતભેદ છે એમ જોઉં છું. મેં કલ્પેલા અસહકારમાં ધારાસભા પ્રવેશને સ્થાન નથી એ અભિપ્રાયને હું હજી જેવો ને તેવો વળગી રહું છું. અમારી વચ્ચેનો આ મતભેદ માત્ર અસહકારની વ્યાખ્યા કે અર્થ કરી બતાવવાના ભેદોનો છે એવું પણ નથી. અસહકારીએ સ્વીકારવાની દૃષ્ટિ અગર વૃત્તિને લગતો આ મતભેદ છે જેને પરિણામે આજે દેશ આગળ રહેલા મુદ્દાના પ્રશ્નોના ઉકેલમાં ફેર પડે છે.”

પંડિત મોતીલાલજી અને દાસબાબુએ આ યાદીના વિરોધમાં પોતાની યાદી બહાર પાડી. [૧]

પછી ‘કૉંગ્રેસનું તંત્ર’ એ નામનો લેખ લખીને કૉંગ્રેસના હોદ્દેદારો તરીકે પંચવિધ બહિષ્કારનો અમલ ન કરનારા કોઈ અર્થાત્ સ્વરાજ પક્ષવાળા ન રહી શકે એવો પોતાનો અભિપ્રાય ગાંધીજીએ જાહેર કર્યો :

“કૉંગ્રેસનું તંત્ર ચલાવનારાઓમાં ખિતાબવાળાઓ, સરકારી શિક્ષા, વકીલો કે કાયદાશાસ્ત્રીઓ, ધારાસભાના સભ્યો તેમ જ પરદેશી બલકે દેશી મિલોનું પણ કાપડ વાપરનારા અગર તો તેવા કાપડના વેપાર ચલાવનારાઓને સ્થાન ન હોઈ શકે. આવા લોકો કૉંગ્રેસમાં બેશક રહી શકે, પણ કૉંગ્રેસના કારોબારી મંડળના સભ્ય તેઓ ન જ થઈ શકે, થવા પણ ન દેવા જોઈએ. તેઓ પ્રતિનિધિ બનીને કૉંગ્રેસના ઠરાવ કરાવવામાં પોતાના આગ્રહની અસર ભલે પાડે. પણ એક વાર કૉંગ્રેસની નીતિ નિશ્ચિત થઈ ગઈ એટલે પછી જે કોઈ એ નીતિમાં માનનાર ન હોય તેમણે મારા અભિપ્રાય મુજબ તો તેનાં કારોબારી મંડળોની બહાર જ રહેવું જોઈએ. મહાસમિતિ તેમ જ કૉંગ્રેસને કારોબાર ચલાવનારી બધી જ સ્થાનિક
  1. જુઓ શ્રી પટ્ટાભીકૃત ‘હિટરી ઑફ ધિ કૉંગ્રેસ’ પહેલી આવૃત્તિ, સને ૧૯૩૫ની, પા. ૪પ૪ થી ૪૬3