પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

હોત તો શિક્ષાનો ભાગ ઊડી જવાનો સંભવ હતો. ગાંધીજીના આ ઉદાર પગલાની સ્વરાજ પક્ષે તેમ જ તમામ વર્તમાનપત્રોએ ભારે પ્રસંશા કરી.

સ્વરાજ પક્ષવાળાના ચાલ્યા ગયા પછી સભા કાંઈક ઠઠ્ઠા મશ્કરી ઉપર ચઢી. પંચવિધ બહિષ્કારનો જાતે અમલ કરવાવાળો ઠરાવ કેટલાકને કઠતો હતો અને એને વિષે કચવાટ પણ હતો. ગોપીનાથ સહાવાળા ઠરાવ ઉપર જે જાતની ચર્ચા થઈ તેથી ગાંધીજી ઉકળી તો રહ્યા જ હતા, એમનું હૈયું ભરાઈ આવ્યું હતું. તેઓ ઉપસંહાર રૂપે મહાસમિતિને સંબોધીને બોલતા હતા એટલામાં એક સભ્યની કૉંગ્રેસના સિદ્ધાંતની ઉપેક્ષા કરતી ટીકાથી બહુ વખતથી રોકાઈ રહેલાં એમનાં આંસુ નીકળી પડ્યાં. બોલતાં બોલતાં તેમનો કંઠ રૂંધાઈ ગયો. પણ તત્ક્ષણ સાવધ થઈ પોતાના અંતરના ઉદ્‌ગાર કાઢ્યા :

“હું સીધો માણસ છું અને સીધા માણસ સાથે કામ લેવા માગું છું. પણ તમે બધા ટેઢા રહ્યા. કૉંગ્રેસ એ કાંઈ જેવી તેવી ચીજ નથી. એ હવે કોઈ ભીખ માગનારી સંસ્થા રહી નથી. મુખ્યત્વે કરીને આંતરિક બળ વધારીને આદર્શને પહોંચવાને માટે યોજાયેલી આત્મશુદ્ધિની એ એક સંસ્થા છે. તમે એને જેવી બનાવશો તેવી એ બનશે. તમે સાચા બનવા ઇચ્છતા હો તો ગામડાંમાં જાઓ. તમે મારી પાસેથી ગધ્ધાની માફક વૈતરું લઈ શકશો, પણ તે સીધાપણાથી, ટેઢાઈથી નહીં. તમે મને ફોલસાવી શકો ખરા, પણ હું જ્યારે જોઉં કે તમે મને વેચી રહ્યા છો, તો પછી હું ખુદાનો આશરો લઉં, અને તમારી પાસે ઊભો ન રહું.”

આ શબ્દોની અસર વીજળીના જેવી થઈ. જેઓ આડુંઅવળું બોલ્યા હતા તેઓએ પોતાની ભૂલ કબૂલ કરી માફી માગી અને સૌની વતી માફી માગતા કૉંગ્રેસના પ્રમુખ મૌ૦ મહમદઅલી રોતા રોતા ગાંધીજીના ચરણોમાં પડ્યા. આમ તે વખતે તો વાતાવરણ નિર્મળ થયું. સૂતર આપવાના ઠરાવમાંથી શિક્ષા ભાગ કાઢી નાખી સ્વરાજ પક્ષવાળાઓને પણ ગાંધીજી મનાવી શક્યા. પણ સૌ કેટલા પાણીમાં છે એનો તાગ ગાંધીજીને આ બેઠકમાંથી મળી ગયો. ‘હાર્યો અને હણાયો‘’ (ડિફીટેડ ઍન્ડ હમ્બલ્ડ) એ નામનો લેખ ‘યંગ ઈડિયા’માં લખી પોતાની ગ્લાનિ વ્યક્ત કરી અને ભવિષ્યના કાર્યક્રમની રૂપરેખા આપી.

આ બેઠકમાં સરદારને ગાંધીજીના ‘અંધ અનુયાયી’નો ઇલકાબ મળ્યો. એ અંધ અનુયાયી છે કે દેખતા અનુયાયી છે એ તો જગત હવે જોઈ શક્યું છે. પણ આ બેઠકમાં તેમણે એવો ભાગ ભજવ્યો હતો ખરો. મહાસમિતિના મેજબાન તરીકે નાની નાની ઘણી વસ્તુઓ ઉપર તેમને ધ્યાન રાખવાનું રહેતું. અને સરદારની મહેમાનગીરી એટલે બાદશાહી તો હોય જ, એ બાબત સૂચનાઓ આપવા કેટલીક વાર તો સભામાંથી તેમને બહાર પણ જવું પડતું. છતાં ગાંધીજી પોતાના ઠરાવ ઉપર બોલતા હોય ત્યારે હાજર હોય કે નહીં પણ દરેક ઠરાવને