પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨
સરદાર વલ્લભભાઈ

ટેકો આપતી વખતે હાજર થઈ જતા. શી ચર્ચા થઈ છે એ ન સાંભળી હોય તોપણ ગાંધીજીના ઠરાવને મારો ટેકો છે એમ આવીને કહેતા. પાછળના આચરણથી તેમણે બતાવ્યું કે તેમનો ટેકો કેવળ શાબ્દિક નહોતો પણ અમલી હતો. મહાસમિતિના કામમાંથી પરવાર્યા પછી તા. ૧૨મી જુલાઈએ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી તેમાં તેમણે ઠરાવ કરાવ્યો કે, કૉંગ્રેસ કમિટીના દરેક સભ્યે નિયમિત કાંતવું અને પ્રતિમાસ બેને બદલે ત્રણ હજાર વાર સૂતર આપવું તથા વધીને પાંચ હજાર સુધી પહોંચવું. વળી મહાસમિતિના મૂળ ઠરાવમાં જે શિક્ષાનો નિર્બંધ હતો તેને ગુજરાત પ્રાંતિક સમિતિએ આવશ્યક ગણ્યો.

હવે કૉંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષને બને તેટલી અનુકૂળતા કરી આપવાની નીતિ ગાંધીજીએ શરૂ કરી. હિંદુમુસલમાન એકતાને માટે સપ્ટેમ્બરમાં ગાંધીજીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા. ત્યાર પછી કાંઈક શક્તિ આવી એટલામાં દાસબાબુનો કલકત્તાથી તાર આવ્યો કે સ્વરાજ પક્ષની કાઉન્સિલની સભામાં અગત્યની મસલતો કરવાની છે તેમાં તમે ન આવો તે ન ચાલે. સરકારે તે વખતે બંગાળમાં ભારે દમન ચલાવવા માંડ્યું હતું અને દાસબાબુના ઘણા સાથીઓને કેવળ શંકા ઉપરથી ગિરફતાર કર્યા હતા. એ વખતે કૉંગ્રેસમાં બે પક્ષ ન હોય એ પણ જરૂરનું હતું. ગાંધીજીએ કલકત્તામાં સ્વરાજ પક્ષે જે માગ્યું તે આપીને એની સાથે તહનામું કર્યું. નીચેની વસ્તુઓ તેમણે માન્ય રાખી :

૧. પરદેશી કાપડના બહિષ્કાર સિવાયનો અસહકારનો આખો કાર્યક્રમ પ્રજાકીય કાર્યક્રમ તરીકે કૉંગ્રેસે મુલતવી રાખવો.

૨. કોંગ્રેસ બંધારણના એક અંગ તરીકે કૉંગ્રેસ તરફથી સ્વરાજ પક્ષે વડી અને પ્રાંતિક ધારાસભાઓમાં કામ કરવું.

૩. કૉંગ્રેસ કમિટીના સભ્યો માટે તેઓ કૉંગ્રેસના કામમાં રોકાયેલા હોય તે વેળાએ જ ખાદી પહેરવાની ફરજિયાત હોય.

૪. એવા સભ્યોએ આપવાનું સૂતર બીજા પાસે કંતાવેલું હોય તોપણ ચાલે.

પાંચ જ મહિના ઉપર અમદાવાદની મહાસમિતિ વખતનું ગાંધીજીનું વલણ ક્યાં ને આ તહનામા વખતનું વલણ ક્યાં ? પણ ગાંધીજી આપવા બેસતા ત્યારે કદી જરાયે સંકોચ રાખતા નહીં. સામો માણસ લેતાં થાકે. આ તહનામું બેલગામની કૉંગ્રેસમાં જ્યાં પોતે જ પ્રમુખ હતા ત્યાં તેમણે મંજૂર કરાવ્યું. વિશેષમાં કૉંગ્રેસના સભાસદ માટે ચાર આનાનું લવાજમ હતું તેને બદલે પોતાનું અથવા બીજાનું કાંતેલું ચોવીસ હજાર વાર સૂતરનું લવાજમ દાખલ કર્યું. આમ ગાંધીજીના પ્રમુખપણા નીચેની બેલગામની કૉંગ્રેસમાં શ્રમમતાધિકાર (લેબર ફ્રેન્ચાઈઝ)નું તત્ત્વ દાખલ થયું. બેલગામની મહાસભા પછી ગાંધીજીએ ગુજરાતમાં