પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

 થોડો પ્રવાસ કરેલો. તેમાં ગુજરાતીઓને સંબોધીને તેમણે કહ્યું કે, ‘કોઈ ગુજરાતી કાંતવાના ઠરાવમાં આપેલી છૂટનો લાભ લેનાર નીકળે એવું જોવા હું નથી ઈચ્છતો.’ સરદાર ગુજરાતના પ્રવાસમાં તો ગાંધીજીની સાથે હોય જ. તેઓ દરેક સભામાં કેટલા જાતે કાંતીને કૉંગ્રેસના સભ્ય થવા ઈચ્છે છે તે પૂછતા અને બરાબર હિસાબ લેતા. પણ આ મતાધિકાર લાંબો વખત ન ચાલ્યો. ધારાસભાઓ મારફત જે કાંઈ થોડું મળે તેની લાલચ લોકોથી છોડી શકાતી નહોતી. અને કૉંગ્રેસ પણ ધારાસભાઓ તરફ વધુ ને વધુ ઢળતી જતી હતી. એટલે ૧૯રપના ઑક્ટોબરમાં પટણામાં મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે અને તેમની સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો જેને પરિણામે કૉંગ્રેસ જાતે જ ધારાસભાઓનો કાર્યક્રમ સ્વરાજ પક્ષ મારફતે ચલાવે એમ નક્કી થયું. એમ કહી શકાય કે કૉંગ્રેસ સ્વરાજ પક્ષને સોંપી દેવામાં આવી. સભ્ય લવાજમમાં એકલું સૂતર હતું તેમાં ફેરફાર કરીને વરસ દહાડે ચાર આના અગર તો બે હજાર વાર જાતે કાંતેલું સૂતર, એમ ઠરાવવામાં આવ્યું. અલબત્ત કૉંગ્રેસના આ કાર્યક્રમમાં ગાંધીજીને, સરદારને તથા બીજા ચુસ્ત નાફેરવાદીઓને રસ નહોતો રહ્યો. ગાંધીજીની સૂચનાથી કૉંગ્રેસના છત્ર નીચે પણ આંતરિક વ્યવસ્થામાં તથા નાણાંની બાબત પરિપૂર્ણ સ્વતંત્ર એવા અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના કરવામાં આવી અને ગાંધીજીએ પોતાનું બધું લક્ષ એને ખીલવવામાં આપવા માંડ્યું. સરદાર બધો વખત અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અને ગુજરાતની રચનાત્મક કામ કરનારી સંસ્થાઓને પોષવામાં આપતા. કેવળ રાજદ્વારી દૃષ્ટિએ જોઈએ તો ૧૯૨૪થી ૧૯૨૮નાં ચાર વર્ષ દેશમાં મંદીનાં ગણાય. હિંદુસ્તાનને કેવા રાજદ્વારી સુધારા આપવા જોઈએ તે વિષે હિંદુસ્તાનની પરિસ્થિતિ નજરે જોઈ તથા રાજદ્વારી નેતાઓ સાથે મસલત કરી રિપોર્ટ કરવા માટે ૧૯૨૮ના આરંભમાં સાઈમન કમિશન આપણા દેશમાં આવ્યું. તેમાં કોઈ હિંદીને રાખવામાં આવ્યો ન હતો એટલે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે દેશવ્યાપી અને સફળ થયો ત્યારે કાંઈક જાગૃતિ આવી. પણ દેશમાં નવચેતન અને આત્મશ્રદ્ધા ફરી પ્રગટ્યાં તે તો બારડોલીના જમીનમહેસૂલ સત્યાગ્રહમાં સરદારે મેળવેલા અપૂર્વ વિજયથી.