પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૨૫

મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

સને ૧૯૨૪ની શરૂઆતમાં કમિટી ઑફ મેનેજમેન્ટની મુદત પૂરી થઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે કાઉન્સિલરોની ચૂંટણી થઈ. આ ચૂંટણી નવા મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા પ્રમાણે થઈ. એટલે એમાં મ્યુનિસિપલ બોર્ડ ૬૦ સભ્યોની હતી, જેમાં ૪૮ ચૂંટાયલા અને ૧૨ સરકારનિયુક્ત સભાસદો હતા. ૪૮ ચૂંટાયેલા સભાસદોમાંથી ૧૦ મુસલમાનો માટેની અનામત બેઠકો હતી. કૉંગ્રેસમાં ફેરવાદી અને નાફેરવાદી એમ બે પક્ષો પડી ગયેલા હોવાને લીધે દેશનું રાજદ્વારી વાતાવરણ બહુ ડહોળાઈ ગયેલું હતું. જોકે નાગપુર તથા બોરસદની વિજયી લડતોને લીધે ગુજરાતના વાતાવરણમાં એવી મંદી નહોતી આવી. તોપણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બેય જગ્યાઓએ સરકારની ભૂલોને લીધે લડત આપી શકાઈ હતી અને તે પણ સ્થાનિક મુદ્દા ઉપર જ હતી. બાકી સ્વરાજના મોટા મુદ્દા ઉપર કાંઈ થઈ શકે એવું દેશનું વાતાવરણ તે વખતે નહોતું. રચનાત્મક કાર્યો દ્વારા લોકોની શક્તિ વધારવી એ જ ઉપાય હતો. સરદાર ગુજરાતમાં રચનાત્મક કાર્યોમાં ખૂબ મદદ કરતા જ હતા. તે ઉપરાંત અમદાવાદનું મ્યુનિસિપલ કામ તેઓ સહેલાઈથી કરી શકે એમ હતું એટલે એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીનો કારભાર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. એ જ નીતિને અનુસરીને પંડિત જવાહરલાલ અને રાજેન્દ્રબાબુ અલ્લાહાબાદ અને પટણા મ્યુનિસિપાલિટીઓમાં દાખલ થયા હતા અને તે તે મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. ત્યાંની પોતાની કામગીરીનાં વર્ણન પોતપોતાની જીવનકથાઓમાં તેમણે આપ્યાં છે.

સરદારને મ્યુનિસિપલ કામના પાછલા અનુભવ ઉપરથી ખાતરી થઈ ગઈ હતી કે પોતાના પક્ષમાં ચોખ્ખી બહુમતી વિના મ્યુનિસિપલ કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી અને ઘણો વખત નિરર્થક ચર્ચાઓમાં બરબાદ થતો હતો. એટલે તેમણે પોતાના કાર્યક્રમને ટેકો આપે એવા પોતાના પક્ષના ઉમેદવારો શહેરના દરેક જિલ્લામાંથી ઊભા કર્યા આ પક્ષે કુલ ૪૮ માંથી આશરે ૩૫ બેઠકો કબજે કરી. સને ૧૯૨૪ના ફેબ્રુઆરીમાં આ પક્ષ મ્યુનિસિપાલિટીમાં અધિકાર ઉપર આવ્યો ત્યારથી આજ સુધી વચમાં એકાદ વર્ષ સિવાય જુદા જુદા સ્વરૂપમાં તે અધિકાર ઉપર રહ્યો છે. આ પક્ષ અસ્તિત્વમાં આવવાથી

૩૫૪