પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


વકીલાત

સરદારે વકીલાતની શરૂઆત ગોધરામાં કરી. નડિયાદમાં મોટા મોટા વકીલોએ પોતાની સાથે રહીને વકીલાત કરવા એમને નોતરેલા. પેલા ડુંગરભાઈ મૂળજીભાઈ તો સરકારી વકીલ હતા. તેમણે પોતાની સાથે રહી વકીલાત કરવા ખૂબ જ આગ્રહ કર્યો પણ એમણે સ્વતંત્ર રહેવાની ખાતર ગોધરાનું નાનકડું ક્ષેત્ર પસંદ કર્યું. ગોધરા પસંદ કરવાનું એક બીજું કારણ એ પણ લાગે છે કે વિઠ્ઠલભાઈ ૧૮૯૫માં વકીલ થયા પછી ગોધરામાં જ વકીલાત કરતા હતા અને થોડા વખત પહેલાં જ બોરસદ ગયા હતા, એટલે એમની ઓળખાણનો અને લાગવગનો લાભ મળે. વિઠ્ઠલભાઈએ તો પોતાની સાથે બોરસદ રહેવાનો જ આગ્રહ કર્યો હતો. પણ બીજાની છાયા નીચે રહેવાથી માણસની પોતાની શક્તિ પૂરેપૂરી ખીલી શકતી નથી એ વિચારના હોવાથી સરદારે પોતાના જ પગ પર ઊભા રહેવાનો નિર્ણય કર્યો. ગોધરે ગયા ત્યારે એમની પાસે કાંઈ જ સાધન નહોતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણકૂસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે માટે નડિયાદની ગુજરીમાંથી અને તેય દેવું કરીને ખરીદેલું. આમ જીવનની શરૂઆત બહુ સંકોચમાં કરી.

ગોધરાના નિવાસ વખતનું એક સ્મરણ નોંધવા જેવું છે. સરદાર ગોધરા ગયા તે અરસામાં જ ત્યાં ખૂબ પ્લેગ ચાલ્યો. તેમાં કોર્ટના નાજર જે પોતાના સ્નેહી હતા તેમનો દીકરો સપડાયો. સરદાર તેની સારવારમાં પડ્યા પણ દરદી બચ્યો નહીં. દરદીને સ્મશાને મૂકી આવીને પોતે પ્લેગમાં પટકાયા. મોટી ગાંઠ નીકળી. સરદાર ગભરાયા વિના પત્નીની સાથે ગાડીએ બેઠા. આણંદ આવીને પત્નીને કહે: “તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ.” પ્લેગમાં પડેલા પતિને છોડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે ? પણ પત્નીને જવાનો આગ્રહ કરવાની અને મોકલી દેવાની સરદારની હિંમત ચાલી. નડિયાદમાં રહીને પોતે સાજા થયા.

ગોધરામાં બે જ વર્ષ રહીને ૧૯૦૨ માં બોરસદ આવી ગયા. જલદી બોરસદ જવાનું મુખ્ય કારણ તો એ હતું કે બોરસદના સ્થાનિક અમલદારો સાથે વિઠ્ઠલભાઈને ભારે ખટપટ ઊભી થયેલી. બોરસદના મુખ્ય અમલદારોમાં રેસિડેન્ટ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ, મામલતદાર તથા ફર્સ્ટક્લાસ સબ જજ એટલા

૧૮