પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે


મ્યુનિસિપાલિટીનું કામ સારું અને ઝડપી થયું છે અને તેણે લોકોનો સારો વિશ્વાસ સંપાદન કર્યો છે. આ પક્ષની કાર્યનીતિના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે ગણાવી શકાય :

૧. સ્થાનિક સ્વરાજ્ય દેશના મોટા સ્વરાજ્યના પ્રથમ પગથિયારૂપ હોઈ સ્વરાજ્યની તાલીમની દૃષ્ટિએ મ્યુનિસિપલ વહીવટનું સંચાલન કરવું એ બહુ મહત્ત્વનું છે. એ વહીવટ શુદ્ધ અને ન્યાયી ધોરણે, આમ વર્ગનાં સુખસગવડ અને આબાદી માટે અને કોઈ પણ પ્રકારના વગવસીલા વગર બાહોશીથી ચલાવવો જોઈએ.

૨. મ્યુનિસિપાલિટીના સભ્યને માટે મોટામાં મોટી લાયકાત લોકોનો વિશ્વાસ અને નીડરપણે લોકહિતનું પ્રતિનિધિત્વ કરવાની શક્તિ, એ હોવાં જોઈએ.

૩. સ્વરાજ્યનું તત્ત્વ સ્થાપિત કરવા માટે મ્યુનિસિપાલિટીનો કારોબારી વહીવટ ચલાવતી તમામ કમિટીઓમાં ચૂંટાયેલા સભ્યો જ આવવા જોઈએ. સરકાર નિયુક્ત સભ્યોને તેમાં સ્થાન ન હોઈ શકે.

૪. મ્યુનિસિપલ બોર્ડની સ્વતંત્રતા ખીલવવા માટે સરકારનો કાબૂ બની શકે તેટલો ઓછો કરાવવો.

૫. કેળવણીની બાબતમાં મ્યુનિસિપાલિટીનું સ્વાતંત્ર્ય વધારવું.

૬. મ્યુનિસિપાલિટીના દરેક કામમાં સ્વદેશીની ભાવનાને ઉત્તેજન આપવું.

૭. સરકારી અમલદારોની નાહકની વધી પડેલી પ્રતિષ્ઠાને તેને યોગ્ય સ્થાને લાવી મૂકવી અને રાષ્ટ્રના ખરા પ્રતિનિધિઓની પ્રતિષ્ઠા વધારવી. દાખલા તરીકે, ગવર્નરો અને બીજા સરકારી અમલદારોને માનપત્રો આપવાને બદલે અથવા તેમના માનમાં સમારંભો કે મિજલસો કરવાને બદલે લોકપ્રિય આગેવાનોને તેવું માન આપવું.

૮. અમદાવાદ જેવા વધતા જતા શહેર માટે પાણી, ગટર, રસ્તા તથા દીવાબત્તીની સગવડો બની શકે તેટલી વધારેમાં વધારે શાસ્ત્રીય અને આધુનિક ઢબે કરવી.

૯. મ્યુનિસિપલ શાળાઓનાં મકાનો શાસ્ત્રીય દૃષ્ટિએ પૂરેપૂરી સગવડવાળાં બંધાવવાં તથા બાળકોને માટે રમત ગમતની સગવડો શહેરમાં સ્થળે સ્થળે કરવી.

૧૦. છેલ્લામાં છેલ્લી ઢબનાં શાસ્ત્રીય સાધન સગવડોવાળી હૉસ્પિટલો શહેરમાં સ્થાપવી.

૧૧. મ્યુનિસિપાલિટીનો બધો વહીવટ સ્વભાષામાં ચલાવવો. એટલે કમિટીઓનાં ભાષણો તથા ઠરાવો સ્વભાષામાં કરવાં. જનરલ બોર્ડના ઠરાવો