પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૬
સરદાર વલ્લભભાઈ

અંગ્રેજીમાં કરવાનું સરકાર તરફથી ફરજિયાત હતું તે પણ ગુજરાતીમાં કરવાની છૂટ ૧૯રપમાં મેળવી.

૧૨. મ્યુનિસિપાલિટીના હરિજન નોકરો માટે રહેવાનાં સારાં મકાનોની સગવડ કરવી.

આ બધો કાર્યક્રમ પહેલેથી લેખી રૂપમાં ઘડવામાં આવ્યો હતો એમ કહેવાનો આશય નથી, પણ પોતાના પક્ષના સઘળા કાઉન્સિલરો આગળ સરદારે વાતચીતો અને ચર્ચાઓમાં આ બધી યોજનાઓ વિચારેલી, અને એ યોજનાઓ પ્રમાણે જ તેમણે કામ કરવા માંડેલું. એક જ કામ ઉપર બેઠેલા એક માણસની આખી જિંદગીમાં આ સઘળો કાર્યક્રમ પાર ન પાડી શકાય એવો મોટો હતો અને તેમાં અનેક મુશ્કેલીઓ હતી એ સરદારના ખ્યાલ બહાર નહોતું. આપણા દેશનાં શહેરની સ્થિતિ અને તેમાંય અમદાવાદ જેવા મધ્યયુગમાં સ્થપાયેલા શહેરની સ્થિતિ તથા લોકોની આદતો સરદાર પૂરેપૂરી જાણતા હતા. સને ૧૯ર૭ માં પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદના પ્રમુખપદેથી ભાષણ આપતાં આપણાં શહેરોનું તેમણે આબેહૂબ વર્ણન કર્યું છે :

“આપણાં શહેરો નથી શહેરોમાં ને નથી ગામડાંમાં. શહેરોમાં વસતાં છતાં અરધા લોકો તો ગ્રામજીવન ગાળતા હોય એવી દશામાં છે. અરધાં મકાનોને પાયખાનાં નથી. પોતાના ઘરનો કચરો નાખવાની જગ્યા નથી. સાંકડી ગલીઓમાં અને ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. કેટલાયે રબારીઓ ગાયોનાં ટોળાં શહેરો વચ્ચે રાખે છે. રસ્તાઓ પર ઠેકઠેકાણે ટોળેટોળાં ઢોર આથડતાં હોય છે. સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે અને આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા કે નથી પડોશીધર્મ જાણતા. પોતાના ઘરનો કચરો પડોશીને બારણે ફેંકવામાં કશું ખોટું માનતા નથી. મેડાની બારીએથી કે છજામાંથી કચરો નાખતાં કે પાણી ઢોળતાં અચકાતા નથી. આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જોતાં ને આપણાં શહેરોમાં પ્રવેશ કરતાં પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજનું ચિહ્‌ન માલૂમ પડે એવું નથી. ગમે ત્યાં થૂંકવાની, ગમે ત્યાં લઘુશંકાએ બેસવાની, ગમે ત્યાં ગંદકી કરવાની લોકોને ટેવો છે. ગામડાંની સ્થિતિ શહેરો કરતાં સારી નથી. કોઈ પણ ગામમાં પેસો તો ઉકરડાના ઢગલા પડેલા નજરે પડશે. ગામના તળાવની આસપાસ ગામનું પાયખાનું બની ગયેલું હોય છે. ગામના કૂવાની આજુબાજુ કીચડ થાય છે અને પાણી સડે છે. આવી સ્થિતિમાં સરકારની સામે જોઈને બેસી રહેવું એને મહાપાપ ગણું છું.”

ઉપર શહેરનું જે વર્ણન આપ્યું છે તે આપણાં બધાં શહેરોને લાગુ પાડીને કરેલું છે અને તે બરાબર પણ છે; પણ એ કરતી વખતે એમની નજર સામે તો