પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

બરાબર અમદાવાદનું જ ચિત્ર રમી રહેલું હોવું જોઈએ. અમદાવાદમાં હવે તો ઘણા સુધારા થયા છે. અમદાવાદની મ્યુનિસિપાલિટી તરફથી શહેરમાં નાના મોટા કેવા બગીચા કર્યા છે, કેવી સડકો કરી છે અને તેની બંને બાજુએ કેવાં ઝાડ ઉછેરવા માંડ્યાં છે એ બધું મને બતાવવા અમદાવાદના મ્યુનિસિપલ એન્જિનિયરે સને ૧૯૪૧માં પોતાની સાથે શહેરની અંદરના તેમ જ બહારના ભાગમાં બે ત્રણ દિવસ મને બહુ ફેરવ્યો હતો. ત્યારે એમણે વાતવાતમાં મને કહેલું કે, અમદાવાદના રસ્તા અને બીજી રોનક અમે આધુનિક ઢબની કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ મોટા ભાગના શહેરીઓનું માનસ અને તેમની ટેવો હજી મધ્યકાલીન ઢબની છે અને તેથી અમને બહુ મુશ્કેલી પડે છે. આ સ્થિતિ ૧૯૪૧માં હતી અને આજે ૧૯૫૦માં પણ કાંઈ બહુ બદલાઈ ગઈ નથી, તો ૧૯૨૪માં જ્યારે અમદાવાદની સૂરત બદલી નાખવાના કામનો સરદારે આરંભ કર્યો ત્યારે સરદાર સામે મુશ્કેલીઓના પહાડ કેવડા મોટા હશે તેની વાચક કલ્પના કરી લે.

અમદાવાદની નવરચનાના કામની વિગતોમાં ઊતરતાં પહેલાં જૂના વખતના ચાલ્યા આવતા કેટલાક પ્રશ્નોની પતાવટની નોંધ પ્રથમ કરી લઉં. શાળાઓને અંગે પડેલા ઝઘડાના સમાધાનની વિગતો પાછલા એક પ્રકરણમાં આપી ચૂક્યો છું. અમદાવાદ મ્યુનિસિપાલિટીનો સરકાર સાથે એક જૂનો ઝઘડો તો અમદાવાદના વૉટરવર્ક્સ માટે મ્યુનિસિપાલિટીને પૂછ્યાગાછ્યા વિના સરકારે એક ત્રણ લાખ રૂપિયાનું મોટું એન્જિન ખરીદ્યુ હતું તે બાબતનો હતો. અગાઉના એક પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે અમદાવાદમાં પાણીની અગવડ દૂર કરવા માટે મુંબઈ સરકારના ઈજનેર ખાતા તરફથી એક મોટી યોજના ઘડી કાઢવામાં આવી હતી, પણ તેનાથી શહેરનું પાણીનું દુઃખ દૂર થયું ન હતું. આ યોજનામાં એક વધારાનું એન્જિન ગોઠવવાનો સમાવેશ થતો હતો. મુંબઈ સરકારે ૧૯૧૪–૧૫ની સાલમાં એક ઠરાવ કરેલો કે યોજના પૂરી થતાં એક નવું એન્જિન મ્યુનિસિપાલિટીને જોઈએ એવી જાતનું અને તેને અનુકૂળ આવે એવું મ્યુનિસિપાલિટીની સલાહ લઈને મંગાવી ગોઠવી આપવું. પછી મ્યુનિસિપાલિટીની સલાહ લીધા સિવાય અને એન્જિન અનુકળ આવશે કે નહીં તેની તપાસ કર્યા સિવાય સરકારના ઇજનેર ખાતા તરફથી એક એન્જિન વિલાયતથી ત્રણ લાખ રૂપિયાના ખર્ચે મંગાવવામાં આવ્યું. મ્યુનિસિપાલિટીને તો એની પાસે રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે એની ખબર પડી. એણે તા. ૨૭–૩–’૨૦ની જનરલ બોર્ડની મીટિંગમાં ઠરાવ કર્યો કે, સરકારે જે એન્જિનનો ઑર્ડર આપ્યો છે તેની જાત, તેની શક્તિ વગેરે વિષે મ્યુનિસિપાલિટીને કાંઈ પૂછ્યુંગાછ્યું નથી, અત્યારે મ્યુનિસિપાલિટી પાસે જે એન્જિન છે તે કરતાં