પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૮
સરદાર વલ્લભભાઈ

એ બમણું પાણી ખેંચી શકે એવું છે. પણ ચાલુ એન્જિન જેટલું પાણી ખેંચી શકે છે એટલું પાણી પણ કૂવામાં હોતું નથી. વળી સરકારની મોટી યોજનાથી કૂવાઓમાં પાણીનો પુરવઠો ખાસ નહીં વધે એમ ચોક્કસ દેખાય છે. માટે એવું એન્જિન ઉપયોગમાં આવવાનું જ નથી. માટે સરકારને વિનંતી કરવી કે મ્યુનિસિપાલિટીને કેટલી શક્તિનું અને કેવા પ્રકારનું એન્જિન અનુકુળ આવશે તે એની સાથે સલાહ મસલત કરીને નક્કી કરવામાં આવે નહીં ત્યાં સુધી તેણે એન્જિન ખરીદવું નહીં. આમ છતાં પોતે આપેલો ઑર્ડર સરકારે કાયમ રાખ્યો અને એન્જિન આવીને પડ્યું. આ એન્જિન એવું હતું કે બીજી કોઈ મ્યુનિસિપાલિટીને પણ ખપમાં ન આવે. એટલે સને ૧૯૨૨–૨૩ના પોતાના બજેટના ખરડામાં એન્જિનના રૂપિયા ત્રણ લાખ અમદાવાદ મ્યુનિસિપાલિટીને ગ્રાન્ટ તરીકે આપવાનું સરકારે વિચાર્યું. પણ એટલામાં મ્યુનિસિપાલિટી બરતરફ થઈ અને ધારાસભાએ બજેટમાંની આ રકમ નામંજૂર કરી. મુંબઈ સરકારે કમિટી ઑફ મૅનેજમેન્ટ પાસે એ રૂપિયાની માગણી કરી. કમિટીને પણ એના ઇજનેરોએ સલાહ આપી કે એન્જિન ઉપયોગમાં આવે તેવું નથી. એટલે તેણે પોતાના વાંધા, પોતાની મુશ્કેલીઓ વગેરે દર્શાવી એન્જિનની કિંમત આપવાની બાબતમાં ગાળા ચાવ્યા. આમ એન્જિન સરકારને ત્યાં પડ્યું રહ્યું અને વર્ષ પૂરું થવા આવ્યું. સરકારના બજેટ ઉપર ધારાસભાએ મોટી કાતર મૂકેલી એટલે નાણાં ખૂટ્યાં. એકેએક ખાતામાં તાણાતાણ થવા માંડી. એટલે આખરે ભૂખી બિલાડી બચ્ચાંને ખાય તેવો ધંધો તેણે આદર્યો. કમિટીને કેળવણી ખાતાની ગ્રાન્ટના સિત્તેર હજાર રૂપિયા આપવાનું મંજૂર થયેલું તે રૂપિયા એણે અટકાવ્યા અને એન્જિનની કિંમતના રૂપિયા મ્યુનિસિપલ કમિટી આપે તો જ આ ગ્રાન્ટ આપવી એ હુકમ કર્યો.

નવા બોર્ડની ચૂંટણી થયા પછી તેની પાસે સરકારે એન્જિનની કિંમત માગવા માંડી. એણે તો કાયદાનો પ્રશ્ન ઉઠાવ્યો કે એન્જિન માટે મ્યુનિસિપાલિટીની કશી જવાબદારી છે જ નહીં. સરકારે આ પ્રશ્નનો નિકાલ કરવા ત્રણ જણ — એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, ઉત્તર વિભાગના કમિશનર મિ. પેન્ટર અને મ્યુનિસિપલ પ્રમુખ સરદાર, એમનું પંચ નીમવાની દરખાસ્ત મૂકી. આવી સરકારી બહુમતીવાળી કમિટી ઉપર કામ કરી મ્યુનિસિપાલિટીને બાંધી નાખવા સરદારે ના પાડી. પણ મિ. પેન્ટરે કહ્યું કે, ‘તમે એમ શું કામ માનો છો કે આ પંચમાં સરકારી બહુમતી છે ? બધા સરકારી અમલદારો કાંઈ સરકારનું જ ખેંચતા નથી.’ ત્યારે સરદારે પંચમાં રહેવા હા પાડી, પણ ચોખવટ કરી કે, ‘જે ક્ષણે મને એમ લાગશે કે આમાં ન્યાયનું વલણ નથી તે જ ક્ષણે હું પંચમાંથી નીકળી જઈશ. હું મ્યુનિસિપલ પ્રમુખ તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે