પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

સિવાય અમદાવાદની વસ્તીની ગૂંગળામણ મટે એમ ન હતું એ ઉઘાડી વાત હતી. એટલે આ વિરોધથી જરા પણ ડગ્યા સિવાય એ બંને યોજનાઓ તેમણે આગળ ધપાવી. જોકે ટાઉન પ્લૅનિંગની તેમ જ આ યોજનાઓ અમલમાં મૂકી શકે તેટલો વખત મ્યુનિસિપાલિટીમાં તેમનું રહેવાનું બન્યું નહીં. એ બધી યોજનાઓનો અમલ પાછળથી ધીમે ધીમે થયો.

સરકારી સિવિલ હોસ્પિટલના તથા મેડિકલ સ્કૂલના વહીવટમાં પ્રજા વધારે રસ લેતી થાય અને પ્રજાનો તેના ઉપર કાબૂ આવે એ હેતુથી અને સરકારે પોતાની એવી નીતિ છે એમ જાહેર કરેલું હોવાથી એ વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપવાની સરદારે માગણી કરેલી. પણ લાંબા પત્રવહેવાર પછી સરકારનો જવાબ આવ્યો કે એનો વહીવટ મ્યુનિસિપાલિટીને સોંપવો સલાહભરેલું જણાતું નથી.

સને ૧૯૨૧ની યાદગાર કૉંગ્રેસ નદી પાર ભરાઈ હતી તે સ્થળે, ખાસ કરીને જ્યાં કૉંગ્રેસની બેઠક માટે મંડપ બાંધવામાં આવ્યો હતો તે સ્થળે, કૉંગ્રેસની બેઠકના સ્મારક તરીકે કાંઈક મોટું લોકોપયોગી કામ થાય એવી સરદારની પહેલેથી ઈચ્છા હતી. તે માટે ત્યાં એક જનરલ હોસ્પિટલ બાંધવા માટે શેઠ વાડીલાલ સારાભાઈના ટ્રસ્ટીઓ પાસેથી આશરે રૂપિયા સાડાપાંચ લાખનું અને એક પ્રસૂતિગૃહ બાંધવા માટે શેઠ ચૂનીલાલ નગીનદાસ ચિનાઈ પાસેથી આશરે રૂપિયા દોઢ લાખનું એમ બે મોટાં દાન સરદારે મેળવ્યાં અને તે મ્યુનિસિપાલિટી પાસે સ્વીકારાવી તે માટે નદીને કિનારે આવેલી ૨૧ એકર જમીન લૅન્ડ એક્વિઝિશન ઍક્ટ મુજબ મેળવી આપવા સરકારમાં લખાણ કરવાનો ઠરાવ પસાર કરાવ્યો.

વળી આ સંસ્થાઓના પ્રારંભિક ખર્ચમાં સંગીન મદદ આપવા સરકારને લખવાનું પણ ઠરાવવામાં આવ્યું.

આ બંને કામો સરદારે મ્યુનિસપાલિટી છોડ્યા પછી પૂરાં થયાં. આજે શહેરની એક મોટી જરૂરિયાત પૂરી પાડી શહેરને કલ્યાણરૂપ એ થઈ પડેલાં છે.

સરદારની આ વખતની મ્યુનિસિપલ પ્રવૃત્તિઓમાં એક જ મ્યુનિસિપલ અમલદાર શ્રી ભગત તરફથી જુદી જાતનો અને કાંઈક વિરોધી સૂર નીકળતો હતો. આમ તો સરદારના જીવનચરિત્રમાં તેની નોંધ લેવાની પણ કાંઈ જરૂર ન ગણાય. પણ સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટી છોડી તેમાં એ ભાઈ નિમિત્ત બન્યા. સરદારની રાષ્ટ્રને ખૂબ ઉપયોગી અને અતિશય તેજસ્વી કારકિર્દી ઉપર તો તેની કશી અસર પડી નહીં, બલ્કે વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે તેઓ છૂટા થયા. પણ અમદાવાદ શહેર તેમની પ્રત્યક્ષ મ્યુનિસિપલ સેવાથી વંચિત થયું એ એક મોટો ગેરલાભ થયો.