પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
વકીલાત


હતા. આ ત્રણે વિઠ્ઠલભાઈ સાથે દુશ્મનાવટ રાખતા, કારણ પહેલાંના સબ જજ ઉપર રુશવતો લીધા બાબત તપાસ કરવા માટે વિઠ્ઠલભાઈએ કમિશન નિમાવરાવ્યું હતું અને એની સામે આખો કેસ ચલાવી એને બરતરફ કરાવ્યો હતો. એટલે વિઠ્ઠલભાઈની વિરુદ્ધ કાંઈ પણ મળી આવે તો આ લોકો વેર લેવા માગતા હતા. બોરસદથી ઘણા વકીલોના કાગળો આવતા તે ઉપરથી સરદારને આ વાતની ખબર પડી. પોતે બોરસદમાં હોય તો વિઠ્ઠલભાઈને મદદરૂપ થવાય એ હેતુથી તેઓએ પોતાનો મુકામ એકદમ બોરસદ ફેરવ્યો.

બોરસદમાં સરદાર જુદું મકાન રાખીને રહેવા લાગ્યા. બહારનો બધો દેખાવ અને વહેવાર એવો રાખતા હતા કે બધા અમલદારો એમ માનવા લાગ્યા કે બે ભાઈઓને બનતું જ નથી. કોઈ કોઈ કેસમાં બેઉ સામસામા ઊભા રહેતા ત્યારે તો લોકોને ખૂબ જ રસ પડતો. સરદારે થોડા જ વખતમાં સઘળા અમલદારો ઉપર સારો પ્રભાવ પાડ્યો. સરદાર પાસેના એક કેસમાં મામલતદાર બરાબર ભેરવાયો હતો અને રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ એનો મિત્ર હોઈ એને બચાવવા ઈચ્છતો હતો. એટલે અમલદારોને સરદારને શરણે ગયા વિના છૂટકો નહોતો. પણ સરદારે માન્યું નહીં એટલે એમને વિઠ્ઠલભાઈની મદદ લેવી પડી. વિઠ્ઠલભાઈએ ભલામણ કરી ત્યારે એમની વિરુદ્ધ અમલદારો જે ખટપટ અને કાવતરાં કરતા હતા એ બધાની આગળ ખુલ્લાં કરી વિઠ્ઠલભાઈનો વિરોધ છોડી દેવાનું સરદારે અમલદારોને સમજાવ્યું અને બન્ને વચ્ચે મિત્રાચારી કરાવી તથા મામલતદાર ઉપર ઘેરાયેલું વાદળ પણ દૂર કરાવ્યું. સરદાર પાસેના કેસની વિગતો આ જ પ્રકરણમાં આગળ એમની વકીલાતના પ્રસંગો આપ્યા છે તેમાં આપેલી છે.

બોરસદમાં થોડા જ વખતમાં વકીલાતમાં સરદારની પ્રતિષ્ઠા ખૂબ જામી ગઈ અને કમાણી પણ સારી થવા માંડી. આખા મુંબઈ ઇલાકામાં સૌથી વધારે ફોજદારી ગુના ખેડા જિલ્લામાં થતા હતા અને જિલ્લામાં સૌથી વધારે બોરસદ તાલુકામાં થતા હતા. તેથી સરકારે આ તાલુકામાં એક ખાસ રેસિડેન્ટ ફર્સ્ટક્લાસ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરી, જેને પહેલા વર્ગના કેસો ચલાવવા સિવાય બીજું કંઈ કામ કરવાનું ન હતું. આ કોર્ટમાં અગત્યના કેસો ચલાવવા માટે અમદાવાદના સરકારી વકીલને સરકાર તરફથી રોકવામાં આવતા હતા. બચાવ પક્ષે લગભગ દરેક કેસમાં સરદારને રોકવામાં આવતા હતા. બધા કેસમાં આરોપીઓ છૂટી જવા માંડ્યા એટલે પેલા સરકારી વકીલ અને પોલીસ અમલદારો મૂંઝાયા. સરકારે પણ એમનો ખુલાસો માગ્યો. એ લોકોએ રિપોર્ટ કર્યો કે જ્યાં સુધી અહીં વલ્લભભાઈ વકીલ છે ત્યાં સુધી અહીં કેસો છૂટી જવાનો પૂરેપૂરો સંભવ છે. માટે આ કોર્ટ અહીંથી ખસેડી આણંદ લઈ જવી જોઈએ.