પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

અને મ્યુનિસિપલ નોકરોનું અપમાન કરવાની ટેવ સામે સખત રીતે ફરિયાદ કરેલી. ચીફ ઑફિસરે શ્રી ભગતનું વર્તન વખોડી કાઢ્યું હતું. એના પણ મૂળ કાગળો ગુમ થાય છે. અમદાવાદના કલેક્ટર મિ. ચૅટફિલ્ડે શ્રી ભગતની બિનવફાદારીને કારણે અમુક મુદ્દત સુધી તેના પગારનો વધારો અટકાવવાનો હુકમ કરેલ. આ કાગળો પણ ફાઈલમાંથી કાઢી લેવામાં આવ્યા હોય એમ જણાય છે. આ બધા કરતાં પણ તેમના વર્તનમાં ગંભીર રીતે વાંધા પડતું તો એ હતું કે મ્યુનિસિપાલિટી સામે મુસલમાનોની ઉશ્કેરણી થાય એવા કિસ્સા તેઓ ઊભા કરતા, કેટલાંક ઊંચાં ગણાતાં મુસલમાન ખાનદાનોનો એવો આગ્રહ રહેતો કે તેમનાં મુડદાં શહેરમાં જ દટાય. આ વસ્તુ શહેરની સુખાકારીને નુકસાનકારક હોઈને સને ૧૯ર૧થી મ્યુનિસિપાલિટીના પેટા કાયદામાં સુધારો કરીને એ પ્રથા બિલકુલ બંધ કરવામાં આવી હતી. છતાં શ્રી ભગત એક વરસ ચીફ ઑફિસરના હોદ્દા ઉપર પ્રોબેશનર તરીકે રહ્યા ત્યારે શહેરમાં મુડદાં દાટવાના આવા ચાર દાખલા તેમણે બનવા દીધા. જ્યારે ચોથો દાખલો બન્યો ત્યારે તો ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારને ખાનગી સૂચના આપી કે, આ શી રીતે બનવા પામ્યું તેની તપાસ કરાવી મને હકીકત જણાવો. સાધારણ રીતે જ આ બધી ખબર ચીફ ઑફિસરને પડે. તેણે એ ખાનગી સૂચના ઉઘાડી પાડી નાખી અને તપાસનો મુખ્ય આશય ભાંગી પડે એવી રીતે તેનો ઉપયોગ કર્યો. તેની વતર્ણૂક વહેમ ઊપજે એવી જણાવાથી સરદારે જાતે તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન કેટલાક કાઉન્સિલરો અને મ્યુનિસિપલ હોદ્દેદારોના પુરાવા પરથી તથા હેલ્થ ખાતાના રજિસ્ટર પરથી માલુમ પડ્યું કે શ્રી ભગતે આ દટણક્રિયાની બાબતમાં પોતાનો ગુનો સાબિત કરતા અમુક કાગળોનો નાશ કર્યો છે.

શ્રી ભગતના આ જાતના વર્તનનું પરિણામ એ આવતું હતું કે બોર્ડમાં કેટલાક મુસલમાન સભ્યોમાં સરદાર સામે વિરોધી ભાવ પેદા થતો અને શહેરમાં પણ કોમી લાગણી ઉશ્કેરાય એવું વાતાવરણ ઊભું થતું.

એટલે સરકારે નક્કી કર્યું કે શ્રી ભગતને ચીફ ઑફિસરની જગા પર કાયમ કરવા નહીં. શ્રી ભગતે કાયમ થવા માટે મુસલમાન સભાસદો તથા કેટલાક સરકારનિયુક્ત સભાસદો સાથે મળી જઈ ખટપટ કરવા માંડી. એટલે સરદારે તેમને ચીફ ઑફિસરની જગાએથી ખસેડી તેમની અસલ પર્સનલ આસિસ્ટન્ટ ટુ ધિ ચીફ ઑફિસરની જગાએ પાછા મૂક્યા અને મુંબઈ કોર્પોરેશનમાંથી શ્રી શેટે નામના ગૃહસ્થને બોલાવી તેમને ચીફ ઑફિસર નીમ્યા. પોતાના વાજબી હક ઉપર તરાપ મારી દ્રેષબુદ્ધિથી મ્યુનિસિપાલિટી પોતાને