અન્યાય કરવા માગે છે અને મ્યુનિસિપાલિટીનો ઇરાદો ગેરકાયદે છે એ પ્રકારનો સિવિલ કોર્ટમાં દાવો કરી શ્રી ભગતે મ્યુનિસિપાલિટી ઉપર મનાઈહુકમ આણ્યો કે તેમની અરજી ધ્યાનમાં લીધા વગર મ્યુનિસિપાલિટી ચીફ ઑફિસરની નિમણૂક કરે નહીં. આથી સરદારને અને ઘણા મ્યુનિસિપલ કાઉન્સિલરોને બહુ ખોટું લાગ્યું.
એટલામાં ૧૯૨૭માં મ્યુનિસિપાલિટીની નવી ચૂંટણી થઈ. તેમાં શેઠ અંબાલાલ સારાભાઈ તથા શેઠ કસ્તૂરભાઈ સરકારનિયુક્ત સભ્ય તરીકે બોર્ડમાં આવ્યા. શેઠ અંબાલાલે પોતાનો એક નવો પક્ષ રચ્યો, જેમાં સરદારના પક્ષમાંથી કેટલાક લોકો ભળ્યા એટલે સરદાર જે બહુમતી ભોગવતા તે કાંઈક ઓછી થઈ. ત્રીજો પક્ષ મુલમાનાનો અને સરકારનિયુક્ત સભાસદોનો હતો. ચીફ ઑફિસર મિ. શેટેને ૧૯૨૮ની શરૂઆતમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની જગ્યા મળવાથી તેઓ મુંબઈ પાછા ગયા. એટલે મ્યુનિસિપાલિટીએ ચીફ ઓફિસરની જગ્યા માટે વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી. તેને માટે ત્રણ ઉમેદવારો હતા : શ્રી એચ. એલ. દીવાન, શ્રી મોરારજીભાઈ દેસાઈ (જેઓ તે વખતે સરકારી નોકરીમાં હતા) અને શ્રી ભગત. સરદારનો પક્ષ શ્રી દીવાનને નીમવાના મતનો હતો જ્યારે અંબાલાલભાઈનો પક્ષ શ્રી દીવાનને ન લાવવાના મતનો હતો. પરંતુ તેમાંના ઘણાની મરજી ભગતને પણ લાવવાની નહોતી, તેથી એ પક્ષે મોરારજીભાઈની હિમાયત કરી હતી. પણ છેવટે પક્ષ તરીકે તટસ્થ રહી પોતાના પક્ષના સભાસદોને વ્યક્તિગત ફાવે તેમ મત આપવાની તેમણે છૂટ આપી હતી. ત્રીજો પક્ષ સંગીન રીતે શ્રી ભગતની તરફેણમાં હતો. આ બધી વાટાઘાટ દરમિયાન સરદારે જણાવ્યું હતું કે જો શ્રી ભગતને ચીફ ઑફિસર નીમવામાં આવશે તો હું મ્યુનિસિપાલિટીમાં રહીશ નહીં. છેવટે અંબાલાલભાઈના પક્ષે મુશ્કેલી ઊભી કરી. તેમનામાંથી કોઈએ શ્રી દીવાનને તો મત આપ્યો જ નહીં, પણ શ્રી ભગતને મત આપનારા તેમાંથી કોઈ નીકળ્યા હશે. છતાં એક જ મતની વધુમતીથી શ્રી ભગતની ચીફ ઑફિસર તરીકે નિમણૂક થઈ. તરત જ સરદારે મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી દીધું. તા. ૧૮-૪-’૨૮ની જનરલ બોર્ડની મીટિંગમાં શેઠ અંબાલાલ સારાભાઈના નીચેના ઠરાવથી એ સ્વીકારવામાં આવ્યું :
- “પ્રમુખનું રાજીનામું બહુ દિલગીરી સાથે સ્વીકારતાં આ બોર્ડ તેમને ખાતરી આપે છે કે બોર્ડનો વિશ્વાસ તેઓ ધરાવે છે. વળી પોતાની કારકિર્દી દરમિયાન આ મ્યુનિસિપાલિટીની જે ભારે સેવાઓ તેમણે કરી છે તેની આ બોર્ડ કદર કરે છે.”