પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
સરદાર વલ્લભભાઈ

પુલ બાંધી આપવાની મંજૂરી માટે યોજના મોકલી આપી. તે સરકારમાં બે વરસથી પડેલી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મ્યુનિસિપલ ઑફિસ, વરસાદના પાણીની ગટરો, લૅબોરેટરી, મીટ માર્કેટ, શાક માર્કેટ, શાળાનાં મકાનો નગરવિસ્તારની યોજનાઓ વગેરે મોટાં મોટાં કામો લાખો રૂપિયા ખરચીને છેલ્લાં ત્રણ વર્ષમાં કર્યાં, પણ સરકાર પાસેથી એક રાતી પાઈ મળી નથી અને મળવાની ઉમેદ પણ નથી.”


“સને ૧૯૨૪માં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો કે દરેક મ્યુનિસિપાલિટીએ પોતાના ખરચના સાડાચાર ટકા દાક્તરી મદદ પાછળ ખર્ચવા જોઈએ. અને તે પ્રમાણે કોઈ મ્યુનિસિપાલિટી કરતી નથી માટે હવે પછી તેમ કરવું અને જો તેમ ન કરે તો સરકારી ઇસ્પિતાલોને તેટલી રકમ પૂરી કરી આપવા પૂરતી ગ્રાન્ટ આપવી. મૂળ મુદ્દો મ્યુનિસિપાલિટી પાસેથી મદદ રૂપે પૈસા કઢાવવાનો હોવા છતાં તેના ઉપર ઢાંકપિછાડો કરવા માટે સાથે સાથે એ ઠરાવમાં એવું જણાવ્યું કે મ્યુનિસિપાલિટીઓ પોતાની ઇસ્પિતાલો કાઢે એ ઇચ્છવા યોગ્ય છે. અને જે કોઈ મ્યુનિસિપાલિટી તેમ કરશે તો સરકાર તેને યોગ્ય મદદ આપી ઉત્તેજન આપશે. અને વળી જો કોઈ મ્યુનિસિપાલિટી સિવિલ હૉસ્પિટલની વ્યવસ્થા લેવાને તૈયાર થશે તો તે પણ સોંપશે. આ ઉપરથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ સિવિલ હૉસ્પિટલ પોતાને સોંપવાની માગણી કરી, તેની એક યોજના રજૂ કરી ને સરકારની શરતો ઘણીખરી કબૂલ કરી. આ માગણીને સ્થાનિક અમલદારોએ મજબૂત ટેકો આપ્યો. છતાં બે વર્ષ સુધી પત્રવ્યવહાર ચાલ્યા પછી ધાર્યું હતું તેમ સરકારે સિવિલ હૉસ્પિટલ સોંપવાની ના પાડી. હવે મ્યુનિસિપાલિટીએ પોતાની સ્વતંત્ર ઇસ્પિતાલ કાઢવાની યોજના કરી, તેમના પોતાના વચન પ્રમાણે ગ્રાન્ટ માગી છે તેનું શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું છે. આમ દરેક દિશામાં સ્થાનિક સંસ્થાઓ પાસેથી આડકતરી રીતે પૈસા કઢાવવા તજવીજ ચાલતી રહે છે. પ્રધાનના હસ્તકના ખાતામાં આ સંસ્થાઓ સરકારી અમલદારોની સહાનુભૂતિ ગુમાવી બેઠેલી છે અને ત્રિશંકુની દશામાં આવી પડેલી છે.”

“પ્રધાનસાહેબે લોન લઈ મોટાં મોટાં કામ કરવાની સલાહ આપેલી છે, લોન કેવી રીતે લેવી તે બતાવ્યું નથી. શું સરકાર મ્યુનિસિપાલિટીને લોન આપવા તૈયાર છે ? આ વિષે પણ મારો અનુભવ કડવો છે. સરકાર પાસે મેં ગયે વરસે જ માત્ર સાડાતેર લાખની પાંચ ટકાના વ્યાજે લોન માગી. સરકાર ચાર ટકા વ્યાજે લોન મેળવી શકે છે. તેને એક ટકો ચોખ્ખો નફો રહેતો હતો. છતાં તે આપવાની સરકારે ના પાડી અને પછી અમે તે લોન બજારમાંથી મેળવી.”