પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૨૬

ગુજરાતમાં રેલસંકટ

સને ૧૯૨૭ના જુલાઈમાં ગુજરાત કાઠિયાવાડના ઘણા ભાગમાં, તે વખતે હયાત માણસોની યાદદાસ્તમાં ન હોય તેવું વરસાદ અને વાવાઝોડાનું ભયંકર તોફાન થયું અને તેણે ગુજરાતની આખી વાડી વેડીને ખેદાનમેદાન કરી નાખી. તા. ૨૩મી જુલાઈ ને શનિવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો તે તા. ર૯મી ને શુક્રવારે બંધ થયો. રવિવારે સૌને લાગ્યું આ વખતની હેલી જબરી છે, અને થોડા વખતમાં રહી જશે. પણ તે દિવસે સાંજથી વરસાદની સાથે જબરો પવન ફૂંકાવા લાગ્યો. વાયુ અને વરુણનું પ્રચંડ તાંડવ મંડાયું ત્યારે લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે આ કાંઈ સાધારણ ઉત્પાત નથી. રવિવાર રાતથી સરદાર ચિંતા કરવા લાગ્યા કે લોકો ઉપર સખ્ત આફત ઊતરી જણાય છે. તેમને ઊંઘ ન આવી અને શહેરના જુદા જુદા લત્તાની કેવી હાલત છે તે જોવાના ખ્યાલથી મધરાતે બાર વાગ્યે ઘરની બહાર નીકળ્યા. વદ અગિયારશની અંધારી રાત હતી. ભયંકર ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. તેમાં રિચીરોડ (હાલનો ગાંધી રોડ) ઉપરથી આમતેમ વીજળીના ઝબકારામાં તથા રસ્તા ઉપર ટમટમતી બત્તીઓના પ્રકાશમાં જે કાંઈ જોઈ શકાય તે જોતાં જોતા એકલા પસાર થતા હતા. વિચાર આવ્યો કે સાથે કોઈ ને લીધા હોય તો સારું. એટલામાં શ્રી હરિલાલ કાપડિયાનું ઘર આવ્યું. તેઓ મસ્કતી મારકેટના એક વેપારી હતા, બહાદુર માણસ હતા અને આવા સંકટના વખતમાં સાહસ ખેડીને કામ કરે એવા હતા. સરદારે એમનાં બારણાં ખખડાવ્યાં. પેલા ભાઈએ બારણાં ઉઘાડ્યાં તો સરદારને દદડતે કપડે ઊભેલા જોયા. અત્યારે આવામાં ક્યાંથી એમ પૂછવા માંડ્યું તો સરદાર કહે : ‘પહેલાં ચા કરી દે. પછી વાત કરીએ.’ કાપડિયાએ સરદારનાં કપડાં બદલાવ્યાં અને ચા બનાવવાની તજવીજ કરવા માંડી એટલે સરદાર કહે, ‘આ તો ભારે તોફાન લાગે છે. તેમાં શહેરની શી દશા થઈ હશે તે જોવા ફરવા નીકળવું જોઈએ.’ કાપડિયાનું મકાન ઊંચું અને ત્રણ બાજુથી ખુલ્લું હતું એટલે વરસાદ અને પવનના સપાટામાં બાજુની ભીંત તૂટી પડવાનો ઘરમાં બધાને ભય લાગતો હતો. છતાં એ સરદાર સાથે ફરવા નીકળવા તૈયાર થયા. રાતના લગભગ ત્રણ વાગ્યાથી પરોઢે અજવાળું થયું ત્યાં સુધી ફરીને શહેરમાં ક્યાં ક્યાં પાણીનો મારો વધારે છે

૩૭૧