પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સરદાર વલ્લભભાઈ


આણંદ જિલ્લાનું મધ્ય સ્થળ હોવાથી આખા જિલ્લાના કેસ ત્યાં ચલાવવામાં સાક્ષીઓને પણ જવા આવવાની અનુકૂળતા થશે. આ ઉપરથી કોર્ટ આણંદ ખસેડવામાં આવી. સરદાર પણ પોતાનો મુકામ બોરસદથી ઉપાડી આણંદ લઈ ગયા. પરિણામ એ આવ્યું કે જિલ્લાના ઘણા કેસ છૂટી જવા લાગ્યા. આખરે એક વર્ષમાં થાકીને કોર્ટ પાછી બોરસદ લઈ જવામાં આવી.

સરદારની વકીલાતમાં કાયદાની બારીકીઓની ઝીણી છણાવટના કરતાં તેમનું ઊંડું વ્યવહારજ્ઞાન, માનવસ્વભાવની સૂક્ષ્મ પારખ, સાક્ષીની ઊલટતપાસની અજબ કુનેહ અને પુરાવાને છણવાની ભારે શક્તિ, એ ગુણોએ વધારે ભાગ લીધો છે. દીવાની કેસ તો તેઓ ભાગ્યે જ લેતા. એ વિષે પૂછતાં તેમણે કહેલું: “થોડા વખતમાં વધારેમાં વધારે કમાઈ શકાય એવા જ કેસો હું લેતો, દીવાની કેસો બહુ ઓછા અને તે પણ જેમાં કાયદાની ગલીકૂંચીઓમાં ઊતરવાનું હોય તેવા ન લઉં, પણ પુરાવાની સામે પુરાવા રજૂ કરવાના હોય અથવા સામા પક્ષના આખા પુરાવા ઉડાવી દેવાના હોય તેવા જ કેસો લેતો.” ફોજદારી વકીલ તરીકે તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી અને થોડા જ વખતમાં આખા ખેડા જિલ્લામાં તેમની હાક વાગતી થઈ. ઘણા ફોજદારી વકીલો, મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવીને તથા પોલીસ અધિકારીઓ સાથે દોસ્તી રાખીને પોતાનું કામ ચલાવે છે. પણ સરદારની એ રીત નહોતી. મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરવ્વત તેઓ કદી રાખતા નહીં. પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં તેમની ખૂબી રહેતી. આ કામ એટલી સુંદર રીતે તેઓ કરતા કે પુરાવા લેવાઈ રહ્યા પછી તેમને ઝાઝું દલીલ કરવાપણું પણ રહેતું નહીં. કોર્ટમાં તેમનાં દલીલનાં ભાષણ બીજા વકીલોને મુકાબલે બહુ ટૂંકાં, સીધાં અને મુદ્દાસર થતાં. પ્રજાને ત્રાસ આપનારા પોલીસ અધિકારીઓ તથા વકીલોનું અપમાન કરનારા અને તેમને ધમકાવનારા મૅજિસ્ટ્રેટોને તેઓ પાંશરાદોર રાખતા. સરદાર જે કેસમાં વકીલ તરીકે આવે તેમાં કોર્ટને તેમ જ ફરિયાદ પક્ષના વકીલને બહુ સાવધ રહેવું પડતું.

બોરસદ આવ્યા પછી ત્રણ જ વર્ષમાં વિલાયત જવાના પૈસા પાસે થઈ ગયા એટલે જવાની તૈયારી કરવા માંડી. પહેલાં તો વિલાયત જવાનો એક મનોરથ જ હતો પણ હવે તો બીજું એક સંગીન કારણ પણ મળ્યું. ભારે કેસોમાં જ્યાં અસીલ પૈસાપાત્ર હોય ત્યાં એ સરદારને વકીલ કરે તોપણ મનમાં અધીરાઈ રહે તેથી અમદાવાદથી બૅરિસ્ટર લઈ આવે. મૅજિસ્ટ્રેટોની સામે