પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
ગુજરાતમાં રેલસંકટ


અહેવાલ મળેલો. આવી આફતમાં કેટલાક બહાદુર લોકોએ પોતાના જીવને જોખમે રેલમાં તણાતા લોકોને બચાવ્યાના પણ અનેક દાખલા મળ્યા. તેમાં બી. બી. ઍન્ડ સી. આઈ. રેલવેના ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ મિ. મોરલીએ તથા ધોળકા તાલુકાના ધીંગડા ગામના તાલુકદારે લગભગ પચાસ જીવ બચાવ્યાના કિસ્સા નોંધાયા છે.

આટલું છતાં પ્રજા બાવરી કે બેહોશ બની ગઈ નહોતી. કુદરતની આંખ ફરેલી જોતાં શાંત હિંમતથી પોતાની અને પોતાના ગામની રક્ષા કરવામાં તે ગૂંથાઈ ગઈ. આત્મરક્ષાને સારુ જરૂરી હતી તેટલી શક્તિ રોકી, બચી તેટલી શક્તિથી પડોશનાં ગામોને લોકોએ મદદ કરી. તેમાં લોકોએ ન્યાતજાતના ભેદ વિસાર્યા, બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર વગેરે મહાજનોએ પોતાના મહોલ્લાઓમાં પોતાના વાડીવંડા ખુલ્લા મૂકી તેમાં ઢેડભંગીઓને રાખ્યા, ઢાંક્યા અને દિવસો સુધી ખીચડીઓ ખવડાવી. ગામેગામ હરિજન વસ્તીની હાડમારીનો પાર નહોતો. સામાન્ય રીતે તેમના વાસ ગામબહાર, ગામથી દૂર, અલગ જગ્યાએ હોય છે. ઘણાંખરાં ગામે આ રેલ દરમ્યાન હરિજનવાસો અને ગામ વચ્ચેનો સંબંધ તૂટી ગયા હતા. વળી તેમનાં કાચાં ઘર અથવા ઝૂંપડાં આવા તોફાન સામે ટકી ન શકે. એટલે એ લોકોને પોતાનાં પડી ગયેલાં ઝૂંપડાંના ટિંબા ઉપર બેસી દિવસો અને રાતો ગાળવી પડેલી. ગામલોકોએ બની શક્યું ત્યાં ત્રાપા બાંધી કે બીજી ગોઠવણ કરી આ લોકોને ગામમાં આણી પોતાનાં ઘરમાં અથવા ધર્મશાળાઓમાં આશરો આપ્યો હતો. જ્યાં હરિજનવાસો ઊંચાણવાળી જગ્યાએ હતા ત્યાં ગામલોકોએ એ વાસોનો પણ આશ્રય લીધો હતો. જેમ સવર્ણ હરિજન વચ્ચેના તેમ જ હિંદુ મુસલમાન વચ્ચેના ભેદ પણ રેલસંકટ આગળ વીસરાઈ ગયા હતા. કેટલાંય ગામોમાં મહાદેવોમાં, મંદિરોમાં, અપાસરાઓમાં લોકોએ મુસલમાનોને આશરો આપ્યો હતો. એક મુસલમાન ફકીર પોતાનું ઘર નહીં રહેવાથી કેટલાય દિવસો સુધી મહાદેવમાં રહ્યો હતો. એક મરજાદી મંદિરમાં છેક ભીતર સુધી મુસલમાન અને હરિજનોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાં તમામ કોમોએ સાથે મમરા ચણા ફાક્યા અને ખીચડી ખાધી. બાર બાર વરસથી ગાંધીજી ગુજરાતને જે પાઠ આપી રહ્યા હતા તે અત્યારે ફળેલો દેખાતો હતો. માનવબંધુતા અને સ્વાશ્રયના આ દાખલા જળપ્રલયની એ આફતનું એક મહામૂલું અંગ ગણાય.

ગુજરાત કાઠિયાવાડના કેટલા ભાગમાં રેલ ફરી વળી હતી તેનો ચોક્કસ વિસ્તાર હવે નક્કી કરી શકાય. ઉત્તરમાં સિદ્ધપુર, પાટણ, ભાલુસણા તથા સતલાસણ વગેરે ગામોની આસપાસના પ્રદેશથી માંડીને ઝીંઝુવાડા સુધી અને તેનાથી થોડા પ્રમાણમાં ઠેઠ પાલણપુર સુધી રેલ ફરી વળી હતી. પશ્ચિમમાં