પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
સરદાર વલ્લભભાઈ

વઢવાણથીયે આગળ ધ્રાંગધ્રા, મૂળી, સાયલા અને ચૂડા સુધીનો પ્રદેશ તારાજ થયો હતો તથા વાંકાનેર અને રાજકોટ સુધી રેલની અસર પહોંચી હતી. દક્ષિણમાં રેલના નુકસાનની હદ નર્મદા નદી સુધી ગણાય. અને પૂર્વમાં ગોધરાથીયે આગળ છેક પિપલોદ સુધી નુકસાન થયું હતું. પરંતુ જળપ્રલયનું વધારે જોર ખેડા જિલ્લામાં અને વડોદરાની આસપાસના પ્રદેશમાં હતું. સંકટનિવારણના કામમાં ગુજરાત પ્રાંતિક સમિતિની મદદમાં વડોદરા રાજ્ય પ્રજામંડળ, અમદાવાદ જિલ્લા સંકટનિવારણ સમિતિ, સૌરાષ્ટ્ર સેવા સમિતિ, વઢવાણ સેવા સમાજ, સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી તથા રામકૃષ્ણ મિશન વગેરે સંસ્થાઓ હતી. પણ સઘળું કામ સરદારની પ્રેરણાથી અને તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે ચાલતું. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈનાં અનેક વેપારી મહાજનોએ પણ સારી મદદ કરેલી. તાર અને આગગાડીઓના વ્યવહાર શરૂ થતાં જ સખીદિલ અને દાનવીર ધનિકો પોતે અથવા તેમના માણસો ગુજરાત કાઠિયાવાડના સંકટગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા નીકળી પડ્યા. કેટલાકની ઈચ્છા પોતાને હાથે અન્નવસ્ત્રનાં દાન કરવાની હતી. પણ તેઓ ઘણુંખરું સ્ટેશન નજીકનાં તથા સડક ઉપરનાં ગામોએ પહોંચી શકતા. એટલે તેવાં ગામોએ મદદ બેવડાઈ અથવા ત્રેવડાઈ જવા માંડી. આ જોઈ સરદારે દાનવીર ધનિકોને વિનંતી કરી કે આમ તો સખાવતનો ઉદ્દેશ સરતો નથી માટે દાનીઓ પ્રાંતિક સમિતિને નાણાં મોકલી આપે અને જેમને પોતાને હાથે જ પૈસો ખર્ચવો હોય તેઓ સમિતિનાં મથકોની કે જાણીતા સ્થાનિક કાર્યકર્તાઓની મદદ લઈ જ્યાં જરૂર હોય ત્યાં વ્યવસ્થિત રીતે દાન કરે.

કાયકર્તાઓ તમામ સંકટગ્રસ્ત વિસ્તારમાં ફરી વળ્યા તે ઉપરથી સંકટના સ્વરૂપનો તથા વિસ્તારનો બરાબર ખ્યાલ આવી ગયો હતો. વળી સાધન વિનાનાં થઈ પડેલાઓને અનાજ વગેરે અપાવી તેમણે તાત્કાલિક મદદ પણ પહોંચાડી દીધી હતી. પણ હવે ખેડૂતો તથા બીજી વસ્તી આ સંકટના ઘામાંથી ફરી બેઠી થાય અને પગભર થાય તે માટે તેમને કેવી મદદ કરવી તેની વ્યવસ્થિત યોજના કરવાની જરૂર હતી. તે માટે સરદારે તા. ૧૧મી ઑગસ્ટે આણંદ મુકામે કાર્યકતાઓની મીટિંગ બોલાવી. તેમાં મુંબઈના સર પુરુષોત્તમદાસ પણ હાજર રહ્યા હતા. આ સભામાં નક્કી થયા પ્રમાણે રાહતનું કામ બધે સરખા ધોરણે ચાલ્યું. આખા ગુજરાતમાં એકંદરે નીચે પ્રમાણે કામ થયું :

૧. જેઓ બિલકુલ સાધનહીન દશામાં આવી પડ્યા હતા તેમને મફત અનાજ તથા કપડાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી. તેની સાથે એ સંભાળ રાખી કે પારકાની મદદ વિનાકારણ લેવાની વૃત્તિને પોષણ ન મળે. તેમ કરવા માટે બને તેટલા વહેલા તેઓ પગભર થઈ જાય તેમ