પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
ગુજરાતમાં રેલસંકટ

કરવાનું હતું. જેઓ પોતાની ખેતી કરતા હોય તેમને નવો પાક આવે ત્યાં સુધી મદદ આપવામાં આવી અને જેઓ ખેતી ન કરતા હતા, તેમની પાસેથી તૂટી ગયેલા રસ્તા સમારવાનું તથા ગાડાં ફરી શકે એવા બનાવવાનું કામ કરાવીને મદદ આપવામાં આવી. અલબત્ત અતિશય વૃદ્ધ, અપંગ તથા નાનાં બાળકોને એમ ને એમ મદદ આપવામાં આવી. આવી મદદ બહુ જ ગરીબ પ્રદેશમાં લગભગ ત્રણ મહિના સુધી આપવી પડી. પણ ઘણી જગાએ તો મદદ આપવાનું બે મહિનામાં જ પતી ગયું. મફત મદદનું કુલ ખર્ચ રૂા. ૧,૮૬,૦૦૦ થયું.

૨. સરદારનો ખાસ આગ્રહ હતો કે જેમાં વાવેતર થઈ શકે એમ હોય એવી એક ચાસ જમીન પણ વાવેતર વિના ન રહેવી જોઈએ. મોટે ભાગે ફરી વાવેતર સૂંઢિયા (ઢોરને ખાવાના જુવારના પૂળા)નું જ થઈ શકે એમ હતું. તેને માટે બીની વ્યવસ્થા કરવાની જરૂર હતી. બીની અછત હોય ત્યારે એના ભાવ આસમાને ચઢી જાય છે એવો પાછલાં વરસનો અનુભવ હતો. સરકાર પાસે ફક્ત એક હજાર મણ સૂંઢિયાનું બી હતું. તે તેમણે રૂ. ૪-૧૨-૦ ના મણના ભાવે ખરીદેલું હતું અને તેથી ઓછે વેચવા તેઓ તૈયાર નહોતા. એટલે પ્રાંતિક સમિતિએ એક પેટા કમિટી નીમી તેની મારફત બી ખરીદવાનો પ્રબંધ કર્યો. સરેરાશ રૂ. ૩–૧૨–૦એ મણ બી ખરીદવામાં આવ્યું અને મણે બાર આના રાહત આપી ખેડૂતને ત્રણ રૂપિયે મણ વેચ્યું. સમિતિ તરફથી લગભગ ત્રીસ હજાર મણ સૂંઢિયું વેચાયું. આ અનુભવથી પ્રોત્સાહિત થઈ શિયાળુ બીની — મુખ્યત્વે ઘઉં અને ચણાનાં બીની વ્યવસ્થા પણ સમિતિ તરફથી કરવામાં આવી. સૂંઢિયું, ઘઉં, ચણા વગેરે થઈને સમિતિએ કુલ એંસી હજાર મણ બી ઓછા ભાવે વેંચ્યું અને તેમાં સાઠ હજાર રૂપિયાની રાહત આપી. સમિતિએ ઉત્તમ પ્રકારનું બી પૂરું પાડ્યું તેને પરિણામે બીમાં સારો સુધારો થયો એ કાયમી ફાયદો થયો. સરકારે બી માટે ખેડૂતોને તગાવી આપી હતી પણ તગાવીની રકમ રોકડ ન આપતાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે એટલા રૂપિયાની સમિતિના મથક ઉપર તેઓ ચિઠ્ઠી આપે અને એમને એટલી કિંમતનું બી સમિતિની દુકાનમાંથી મળે. કેટલાક ખેડૂતો મૂર્ખાઈથી બી માટે મળેલી તગાવી બીજા કામમાં વાપરી નાખે છે, એ વસ્તુ આ વ્યવસ્થાથી અટકી અને બધા ખેડૂતોને સારું બી કિફાયત ભાવે મળ્યું.
૩. રેલમાં જેમના બળદ મરી ગયા હતા અને જેઓ પાસે બળદ ખરીદવાનું સાધન ન હતું તેને બળદ ખરીદવા માટે લોન આપવામાં આવી. આ રકમ લગભગ બધી જ વસૂલ થઈ.
૪. અનાજના ભાવો ચઢી ન જાય તે માટે સસ્તે ભાવે અનાજ તથા કપાસિયા વેચવાની દુકાનો કાઢવામાં આવી. અનાજ તથા કપાસિયાનું વેચાણ ખૂબ થયું. કુલ નુકસાની રકમ ૫૨,૦૦૦ની થઈ.