પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
સરદાર વલ્લભભાઈ

લાલચ રહેતી નથી અને સસ્તા દરે તેમને બિયાવું મળે છે. એ અનુભવ ઉપરથી આ વખતે પણ સરકાર તરફની લોન તથા સરકાર તરફની અને સેન્ટ્રલ ફંડ તરફની મફત મદદ પૂરેપૂરી રોકડી ન આપતાં અમુક રકમ રોકડી અને અમુક રકમ બાંધકામના સામાનની દુકાન ઉપર ચિઠ્ઠીના રૂપમાં આવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વ્યવસ્થાને લીધે વેપારીઓની નફાખોરીમાંથી લોકો બચી ગયા. એકલા ખેડા જિલ્લામાં લગભગ અઢાર લાખ રૂપિયાનો માલ ચિઠ્ઠીઓથી અને લગભગ આઠ લાખ રૂપિયાનો માલ રોકડેથી સમિતિની દુકાનોએથી વેચાયો. માલ લેનારાઓને બજારભાવ કરતાં એકંદરે વીસથી પચીસ ટકાનો બચાવ થયો એવો અંદાજ છે.

રાહતનું તમામ કામ કોમ કે ધર્મના ભેદભાવ વિના કરવામાં આવ્યું હતું. પણ રાહતનું કામ ચાલતું હતું તે અરસામાં કેટલીક જગ્યાએ હિંદુ મુસલમાન વચ્ચે બીજા કારણોસર ઘર્ષણ થયેલાં અને તેથી અમને સમિતિ તરફથી બરાબર રાહત મળતી નથી એવા આક્ષેપો કરી કેટલાક મુસલમાનોએ અલાયદી મદદની અપીલ કરી. આ ઉપરથી મુંબઈથી શેઠ ઇબ્રાહીમભાઈ કરીમભાઈ અને શ્રી લક્ષ્મીદાસ રવજી તેરસી તપાસ કરવા માટે ખેડા જિલ્લામાં આવ્યા. નડિયાદ, ખેડા, માતર, મહેમદાવાદ વગેરે મથકનાં રાહતનાં પત્રક અને મદદની વિગતોના આંકડા તપાસતાં તેમની ખાતરી થઈ કે જરાયે ભેદભાવ વિના દરેક કોમને મદદ કરવામાં આવે છે. વસ્તીના પ્રમાણમાં મુસલમાન તથા ખ્રિસ્તી કોમને વધુ મદદ મળી છે તે તેમણે આંકડા ઉપરથી જોયું. બીજું તેમણે એ પણ જોયું કે જિલ્લાની મુસ્લિમ રિલીફ કમિટી ઊભી કરવામાં આવી છે પણ તેના હિસાબનું બરાબર ઠેકાણું નથી અને રાહત આપવાનું પણ ચોક્કસ ધોરણ નથી. તેમ છતાં મુસલમાનોના સંતોષની ખાતર પ્રાંતિક સમિતિ તરફથી સત્યાગ્રહાશ્રમવાળા ઇમામસાહેબની મુસલમાનોની ફરિયાદો તપાસવા માટે ખાસ નિમણૂક કરવામાં આવી.

આ વખતે શ્રી વિઠ્ઠલભાઈ વડી ધારાસભાના પ્રમુખ હતા. ગુજરાતમાં રેલ ફરી વળ્યાના સમાચાર જાણ્યા ત્યારથી જ ગુજરાતમાં આવી બની શકે તે સેવા કરવા તેઓ ઉત્સુક હતા. પોતાના નામથી સંકટનિવારણ ફંડ પણ તેમણે ખોલ્યું હતું. ધારાસભાની બેઠક પૂરી થતાં જ તેઓ સિમલા છોડી તા. ર૭મી સપ્ટેમ્બરે નડિયાદ આવી પહોંચ્યા અને એક અદના સ્વયંસેવક તરીકે ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખ શ્રી વલ્લભભાઈના હાથ નીચે કામ કરવા પોતે આવ્યા છે એવું જાહેર કર્યું. બીજે જ દિવસથી શ્રી દાદુભાઈ દેસાઈ તથા ઈમામ સાહેબ અબદુલકાદર બાવઝીરને સાથે રાખી સંકટગ્રસ્ત પ્રદેશમાં તેમણે ફરવા માંડ્યું. સામાન્ય રાહતનું કામ તો બરાબર ચાલતું જ હતું પણ ભારે નુકસાન