પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
વકીલાત


રોફબંધ બોલીને અને ધમપછાડા કરીને પોતાની હોશિયારી દેખાડનારા બે ત્રણ બૅરિસ્ટરો ખેડા જિલ્લામાં સારા જામી ગયા હતા. તેઓ સરદાર કરતાં વધારે ફી લેતા. સરદાર જુએ કે કેસ ચલાવવાની આવડત હોશિયારીમાં તો આ લોકો પોતાની જરાયે તોલે આવે એવા નથી. છતાં એવા બૅરિસ્ટરોને ફી વધારે મળે અને એમના જ મદદનીશ તરીકે કોર્ટમાં બેસવું પડે એ એમને માથાના ઘા જેવું લાગતું. પોતે જ બૅરિસ્ટર થઈ આવે તો આ બધા બૅરિસ્ટરોને ક્યાંય આંટી દે એની એમને ખાતરી હતી. એટલે સને ૧૯૦૫માં એમણે વિલાયત જવાનો નિશ્ચય પાકો કરી નાખ્યો. વિલાયત જવા માટે સ્ટીમર વગેરેની ગોઠવણ કરવા ટૉમસ કૂક ઍન્ડ સન્સ કંપની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. પણ એક નાનો અકસ્માત એવો બન્યો જેથી સરદારને બદલે વિઠ્ઠલભાઈ પહેલાં વિલાયત ગયા. બધું નક્કી થયાનો છેલ્લો જે જવાબ આવ્યો તે બંને ભાઈ અંગ્રેજીમાં વી. જે. પટેલ કહેવાય તે ઉપરથી વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો. વિઠ્ઠલભાઈ એ સરદારને કહ્યું: “હું તમારાથી મોટો, માટે મને જવા દો. મારા આવ્યા પછી તમને જવાની તક મળશે, પણ તમારા આવ્યા પછી મારાથી નહીં જવાય.” વિઠ્ઠલભાઈની વાત સરદારે માન્ય રાખી એટલું જ નહીં પણ એમનું વિલાયતનું ખર્ચ પણ મોકલવાનું માથે લીધું. ઘરમાં કે બીજા કોઈ ને ખબર આપ્યા વગર અને ભાઈઓ અસીલના કામનું બહાનું બતાવી મુંબઈ ગયા અને વિઠ્ઠલભાઈ વિલાયત ઊપડ્યા.

સરદાર બોરસદ પાછા આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈના ગયાની બધાંને ખબર પડી. વિઠ્ઠલભાઈનાં પત્નીએ ખૂબ કંકાસ માંડ્યો. અત્યાર સુધી બોરસદમાં બન્ને ભાઈઓ જુદા રહેતા પણ વિઠ્ઠલભાઈના ગયા પછી સરદારે ભાભીને પોતાને ત્યાં રહેવા બોલાવ્યાં. ભાભીનાં ભાઈભાભી વિઠ્ઠલભાઈને ત્યાં રહેતાં એમને પણ સરદારે પોતાને ઘેર રાખ્યાં. વિઠ્ઠલભાઈનાં પત્નીએ તો માનતાઓ માનવા માંડી, બાધા આખડીઓ કરવા માંડી અને બ્રાહ્મણો જમાડવા માંડ્યા અને એવું ખોટું ખર્ચ કરવા માંડ્યું. તે સરદારે જરા પણ કચવાયા વિના બધું સહન કર્યું. પણ દેરાણી જેઠાણીને રોજ ઝઘડા થવા માંડ્યા અને ઘરમાં જબરો ક્લેશ પેઠો. ભાઈ પરદેશ ગયેલા હોઈ સરદારે ભાભીને કશું ન કહેતાં પોતાનાં પત્ની ઝવેરબાને પિયર મોકલી દીધાં તે વિઠ્ઠલભાઈ પાછા આવ્યા ત્યાં સુધી એટલે બેએક વરસ તેઓ પિયર જ રહ્યાં. આમ સરદારને માથે ઘરનું ખર્ચ વધ્યું, દર મહિને વિલાયત રકમ મોકલવાનું વધ્યું અને ઝવેરબાને પિયર રાખવાં પડ્યાં તે તો વધારામાં. પણ સરદારે આ વિષે કોઈની આગળ વરાળ સરખી કાઢી નથી. ખર્ચ વધ્યું તેની તો એમને જરાયે પરવા જ ન હતી. વકીલાતનો ધંધો પ્રતિ વર્ષ વધતો જ જતો હતો.