પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૦
સરદાર વલ્લભભાઈ


આવા ખોટા હિસાબ ઉપર મંડાણ રચી તેમણે કુલ ૨૯ ટકાના વધારાની ભલામણ કરી. આમ સરકારની આગળ બે ઢંગધડા વગરના રિપોર્ટો જઈને પડ્યા. સને ૧૯૨૭ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામોનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ ઑફિસરની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી. સેટલમેન્ટ કમિશનરે સૂચવેલો ર૯ ટકાનો વધારો અને સેટલમેન્ટ ઑફિસરે સૂચવેલો ૩૦ ટકાનો વધારો, એ બેને બદલે ૨૨ ટકા વધારો કરાવ્યો. તેનું કારણ એ જણાવ્યું કે કપાસના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડો ધ્યાનમાં લેવો જોઈએ.

બન્ને રિપોર્ટમાં કરવામાં આવેલી દલીલોનો લોકપક્ષ તરફથી નીચે પ્રમાણે જવાબ હતો :

૧. સેટલમેન્ટ કમિશનર મિ. એન્ડર્સને તો તાલુકામાં ડોકિયું પણ કર્યા વિના ઑફિસમાં બેઠે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. પણ સેટલમેન્ટ ઑફિસર શ્રી જયકરે પણ તાલુકામાં લોકોને મળ્યા વિના, તેમની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લોકોને પોતાની વાતો સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાના ગામોએ ઘોડા દોડાવી ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપરથી પોતાની આકારણીના દરો નક્કી કર્યા હતા.

૨. ટાપ્ટી વેલી રેલવેથી ગામડાંને ફાયદો થયો તે કારણે શ્રી જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચઢાવ્યા અને મિ. ઍન્ડર્સને તેમની દલીલને ટેકો આપ્યો પણ ૧૮૯૬માં જમાબંધી કરતી વેળાએ તે વખતના સેટલમેન્ટ ઑફિસરે રેલવેની વાત ધ્યાનમાં લઈને તે ગામોના દર વધાર્યા જ હતા. પોતાના રિપોર્ટમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે:

“બી. બી. સી. આઈ. રેલવેના એજન્ટ પાસેથી મને ખબર મળી છે કે ટાપ્ટી લાઈન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સુરતની સાથે રેલવેથી જોડાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને આ આકારણી દાખલ થયા પછી ત્રીસ વર્ષ ચાલશે, માટે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલવેના ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.”

૩. બારડોલી તાલુકાના પાકા નવા રસ્તાઓ વિષે તો કશું કહેવા જેવું જ નથી. આજે ૧૯૫૦માં જે પાકી સડકો કહેવાય છે તે ગામડાંની ગરેડો કરતાં બહુ ચઢે એવી નથી. કેટલાંય વર્ષ ઉપર એક આકારણી અમલદારે લખ્યું હતું કે એ રસ્તા ‘માણસ અને પશુનાં કાળજાં તોડે એવા’ છે. બારડોલી તાલુકો જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતો