પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સરદાર વલ્લભભાઈ


બોરસદમાં વકીલાત કરતા ત્યારે મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલમાં અને ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૫ના નવેમ્બરમાં થયેલો. બન્ને એમના મોસાળ ગાનામાં જન્મેલાં.

સરદારને પાટીદાર બની પાઘડી પહેરી મેજિસ્ટ્રેટની કોર્ટોમાં વકીલાત કરતા કલ્પવા અત્યારે બહુ મુશ્કેલ પડે ખરું, પણ ગોધરામાં તેઓ એવી પાઘડી પહેરતા. તેમના એક સહાધ્યાયીએ મને કહેલું કે નડિયાદ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એક બે વાર ટીખળ કરવાની ખાતર વર્ગમાં પાઘડી પહેરીને ગયેલા. બોરસદ ગયા પછી રેવન્યુ ખાતાના અમલદારો જે ઢબનો ફેંટો તે વખતે અને ત્યાર પછી ઘણા વખત સુધી પહેરતા એવી ઢબનો કસબી કિનારવાળો સફેદ ફેંટો પહેરતા.

વિઠ્ઠલભાઈ ૧૯૦૬ ના આરંભમાં વિલાયત ગયા તે અઢી વર્ષમાં બૅરિસ્ટર થઈ ૧૯૦૮ના મધ્યમાં પાછા આવ્યા. તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ત્યાં ઘર માંડીને પત્ની સાથે રહેવા માંડ્યું. એટલામાં ઝવેરબા માંદાં પડ્યાં. તેમને આંતરડાંનો વ્યાધિ હતો. વિઠ્ઠલભાઈ ૧૯૦૮ની આખરમાં તેમનો ઉપચાર કરવા માટે મુંબઈ લઈ ગયા. સાથે મણિબહેન અને ડાહ્યાભાઈ પણ મુંબઈ ગયાં અને ત્યારથી એ વિઠ્ઠલભાઈની પાસે રહેવા લાગ્યાં. ઝવેરબાને આપરેશન કરવું પડશે એમ દાક્તરની સલાહ થઈ. તે માટે એમને કામા હૉસ્પિટલમાં દાખલ કર્યા. સરદાર તે વખતે ત્યાં ગયેલા. પણ હૉસ્પિટલના દાક્તરે જણાવ્યું કે બીજી રીતે તબિયત કાંઈક સુધરે એટલે પંદરેક દિવસ પછી ઑપરેશન કરી શકાશે. ઑપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો એમ કહી બીજે દિવસે આણંદ એક ખૂનનો બહુ અગત્યનો કેસ હતો તે માટે સરદાર આણંદ આવ્યા. પણ દાક્તરનો વિચાર ફર્યો, તેને એકદમ ઑપરેશન કરવાની જરૂર લાગી. એટલે એણે તો સરદારને ખબર આપ્યા વિના વહેલું ઑપરેશન કરી નાખ્યું. સરદારને તાર મળ્યો કે, “ઑપરેશન સફળ થયું છે.” પણ બીજે જ દિવસે સ્થિતિ બગડી અને કોર્ટમાં સરદાર કેસ ચલાવતા હતા ત્યાં ઝવેરબા ગુજરી ગયાના કારમા સમાચારનો તાર મળ્યો (તા. ૧૧–૧–૧૯૦૯).

સરદારને માટે આ પ્રસંગ અતિશય દુઃખનો અને તેની સાથે ધર્મસંકટનો હતો. ખૂનનો કેસ હતો, આરોપી પ્રતિષ્ઠિત માણસ હતો. મહત્ત્વના સાક્ષીની સરદાર ઊલટતપાસ ચલાવી રહ્યા હતા. તે જ દિવસે કાળજીપૂર્વક એ પૂરી ન થાય તો કેસ કથળે અને આરોપીને જીવનું જોખમ આવી પડે. કારણ ફાંસીની સજા થવાનો સંભવ હતો. એટલે આવો દુઃખદ તાર મળ્યા છતાં અતિશય દૃઢતા રાખી, કાળજું કઠણ કરી કામ પૂરું કર્યું. સાંજે કોર્ટનું કામ પૂરું થયે તારના સમાચાર બીજાઓને આપ્યા. છેલ્લી ઘડીએ પત્નીની મુલાકાત ન થઈ શકી